પાટીદાર નેતા કયા પક્ષના ‘નરેશ’ બનશે, એનું એલાન કાલે  

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ વિશે અટકળો ચાલી રહી છે, ત્યારે તેઓ હવે કયા પક્ષમાં જોડાવું એ વિશે આવતી કાલે ફોડ પાડે એવી શક્યતા છે. રાજ્યમાં ત્રણેય રાજકીય પક્ષો નરેશ પટેલને આવકારવા આતુર છે, ત્યારે નરેશ પટેલ કોના ગળામાં વરમાળા નાખશે એ સસ્પેન્સ તેઓ ખોલે એવી સંભાવના છે.

આમ તો કોંગ્રેસમાં નરેશ પટેલને માગ્યું મળે એમ છે, કેમ કે કોંગ્રેસે હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વિચારવિમર્શ કર્યો હતો. જોકે રાજ્યમાં કોંગ્રેસને જીતવાની આશા ધૂંધળી છે, એટલે નરેશ પટેલ માગે તે કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માગે તો પણ મળે.  જોકે કોંગ્રેસને જિતાડવી એટલે નેવાના પાણી મોભે ચડાવવા જેવું મુશ્કેલ કામ છે.

બીજી બાજુ નરેશ પટેલ પણ  સફળતા હશે તો જ તેઓ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પક્ષમાં જોડાશે. જે પક્ષ જીતી જ જશે અને પોતાને ઈચ્છિત પદ મળશે એવી ખાતરી જ્યાં થશે ત્યાં નરેશભાઈ જશે એ નક્કી છે.

તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવું એ આગામી દિવસોમાં વધુ ચર્ચા-વિચારણા કર્યા પછી જાહેર કરીશ. કોંગ્રેસના શર્માએ પટેલને પાર્ટીમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. આ ઉપરાંત શર્માએ પટેલને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી તમારા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અને તમારી ઘડેલી ચૂંટણીની વ્યૂહરચના મુજબ લડવામાં આવશે. જોકે સામે પક્ષે પટેલ શું કરવા ધારે એ જોવું રહ્યું.