અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે અને એમાંય અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી છે. અમદાવાદમાં વધી રહેલા કેસો અત્યારે ચિંતાનો વિષય બન્યા છે. શહેરમાં ફાયર બ્રિગેડની આગ બુઝાવવા વપરાતી ઓટોમેટીક વિશાળ સીડી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
શહેરમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન, ફાયરની સીડી, આધુનિક મશીનો દ્વારા જુદા જુદા વિસ્તારોને આવરી લઇ સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. તો સાથે જ અત્યાર સુધી કુલ 338 મોત નોંધાયા છે. છેલ્લા સાત દિવસની અંદર આજે ગુજરાતમાં કોરોનાને કારણે સૌથી ઓછા લોકોનાં મોત થયા છે. આજે કોરોનાને કારણે કુલ 23 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 લોકોનાં મોત માટેનું પ્રાથમિક કારણ કોરોના છે. તો બાકીનાં અન્ય 15 લોકોને અન્ય ગંભીર બીમારીઓ હતી. એક જ દિવસમાં 394 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો આજે 219 જેટલાં લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. ગુજરાતમાં હવે રિકવરીનો રેટ 457 ટકા થયો છે. ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 7797એ પહોંચ્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
