લોકડાઉનમાં જેલના કેદીઓની પરિવાર સાથે ઈ-મુલાકાત

અમદાવાદ: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને જ્યારે ભરડામાં લીધું છે ત્યારે જેલમાં રહેતા કેદીને પણ તેમના પરિવારજનોની ચિંતા થાય તે સ્વાભાવિક બાબત છે. સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ દ્વારા હાલના પ્રવર્તમાન સમયમાં કોરોના વાયરસની ગંભીર અસરના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં આવેલ છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલા કેદીઓને તેમના પરિવાર સાથે વીડિયો કોલના માધ્યમથી મુલાકાત થઈ શકે તે માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઈ-મુલાકાત ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રોજેરોજ મોટી સંખ્યામાં કાચા તથા પાકા કામના કેદીઓને તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવે છે. અને આ ઈ-મુલાકાત બાદ કેદીઓમાં એક પ્રકારની સંતોષની લાગણી જોવા મળે છે પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઈ તેઓ રૂબરૂ મળ્યાનો આનંદ પણ આનંદ અનુભવે છે. આ કારણે કેદીઓને માનસિક તાણમાંથી મુક્તિ પણ મેળે છે.

સાબરમતી મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક ડી. વી. રાણાએ જણાવ્યું કે ” રૂબરૂ મુલાકાત બંધ કરાતા જેલમાં રહેલા કેદીઓને માનસિક રીતે સ્વસ્થ અને મુક્તમને રાખવા માટે આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. કેદીઓ એકલતા ન અનુભવે તે હેતુથી ઈ-મુલાકાત દ્વારા દરરોજ 50 જેટલા કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં આશરે ૫૦૦થી વધુ કેદીઓનો તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવ્યો છે.