અમદાવાદ: મુસ્લિમોમાં પવિત્ર ગણાતો રમઝાન મહિનો શરુ થઈ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે જેમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. આ મુસ્લિમ દર્દીઓએ રમઝાન દરમિયાન રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી. આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર દર્દીઓના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.
શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’ ઈકબાલ હુસૈન પાંચ વાર નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખૂબ જ ખુશ છે.
દરિયાપુરના આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દુર અહીં દાખલ થયો છું. આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’ તેઓ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં અમારી પૂરતી વ્યવસ્થા થઈ રહી છે.’
કહેવાય છે ને.. ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા….