વિમાન લપસવા માટે અમદાવાદ એરપોર્ટ રન-વે પણ ભયજનક, ચોંકાવનારો રિપોર્ટ…

અમદાવાદઃ મુંબઈ સહિત અન્ય એરપોર્ટ પર છેલ્લા 3 દિવસમાં લેન્ડિંગ દરમિયાન વિમાનો લપસી પડવાની ઘટના બાદ અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ પર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વિમાનો ઓપરેશન એરિયામાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે.

અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી કોઈ ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે.

એવિએશન ફિલ્ડની સંસ્થા ડીજીસીએએ ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને નિર્દેશકોના સુરક્ષા નિયમો મુજબ, કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યોગ્ય ન લેવાના સંદર્ભે મંગળવારે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને આ મહિનાની શરૂઆતમાં જ કેટલાક એરપોર્ટનુ નિરીક્ષણ કર્યું હતું. જેના બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે.અમદાવાદ એરપોર્ટ રન-વેને જે રીતે મેન્ટેન કરવો જોઈએ તે મુજબનો નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચોમાસા દરમિયાન વિવિધ એરપોર્ટ પર વિમાનોના લેન્ડિંગ સાથે જોડાયેલ કેટલીક ઘટનાઓ બાદ ડીજીસીએએ આ પગલુ ભર્યું છે. આ નોટિસ ડિસેમ્બર ૨૦૧૮થી લઈને જુન ૨૦૧૯ સુધીના ૭ મહિનાના નિરીક્ષણ પછી આપવામાં આવી છે. રન-વેનું પ્લાનિંગ અને મેન્ટેન્સ બરાબર નથી તેવું જણાવ્યું છે. અમુક ધારાધોરણ નિમ્ન કક્ષાનું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર નોટિસનો જવાબ કેવી રીતે આપે છે.

તપાસ દરમિયાન ટીમને એરપોર્ટના રનવે પર ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આ‌વી હતી. એજરીતે રનવેની બાજુમાં આવેલી એર સ્ટ્રીપની આજુબાજુમાં પણ નકામી વસ્તુઓ જેમાં કોંક્રીટ, ડામર, ખુલ્લા વાયરોના ઢગલા વગેરે મળી આવ્યું હતું. એજ રીતે રનવે માટે દર મહિને ફરજિયાત થતું રનવે ફ્રિક્શન ટેસ્ટ પણ રેગ્યુલર થયુ હોવાનું જણાયું નથી. ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જયપુરથી આવી રહેલી સ્પાઈસ જેટ વિમાન લેન્ડ કરતા સમયે રન-વે પરથી લપસી પડ્યું હતું. આ કારણે મુખ્ય રનવેને ત્રણ દિવસથી વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યો છે.