રાજ્ય સરકારે CNG સ્ટેશનો સ્થાપવાના કામને લગતાં બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

ગાંધીનગર:  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂપાણીએ તાજેતરમાં જ CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે. ગુજરાત CNG  ડિલર એસોસીએશન દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ નવા CNG  સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો  પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, CNG પંપની  સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ છે.