તંત્ર મુશળધાર વરસાદ પછી પાણી ઉલેચવા કામે લાગ્યું

અમદાવાદઃ શહેરમાં રવિવારની સંધ્યાએ ભારે વરસાદે વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે પડેલા વરસાદે શહેરઆખાને ધમરોળ્યું હતું. શહેરમાં વરસાદ બંધ થયાને આઠ કલાકથી વધુનો સમય વીતી ગયો છે. તે છતાંય હજી પાણી ઓસર્યાં નથી. શહેરના આશ્રમ રોડ, પાલડી, વાસણા, વેજલપુર, જુહાપુરા આંબાવાડી અને મીઠાખળી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

શહેરના શોપિંગ કોમ્પલેક્સ, રહેણાક વિસ્તારોના ભોંયરામાં પાણી ભરાયાં હતાં. અસંખ્ય વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોમવારની સવારથી જ આખો દિવસ અને ખાનગી મોટરો, પંપ દ્વારા અન્ડરબ્રિજ, ભોંયરાઓમાંથી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પરિમલ અન્ડર બ્રિજ, મીઠાખળી ગામ તરફ જતો નવો અન્ડર પાસ ભરાઈ જતા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

શહેરનાં ખુલ્લાં મેદાનો, સોસાયટીઓના માર્ગો, મુખ્ય માર્ગો પરથી પાણીના નિકાલ માટે વરસાદી પાણીની ગટરો ખોલી નાખવામાં આવી હતી.

આંબાવાડી તેમ જ પશ્ચિમ અમદાવાદના અનેક કોમ્પલેક્સ અને સોસાયટીઓના ભોંયરામાંથી આખોય દિવસ પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી હતી. કેટલાંક ભોંયરામાં વાહનો પાણીમાં ડૂબી ગયાં હતાં.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)