ગુજરાતની અસ્મિતાના જતન, સંવર્ધન માટે AMAમાં પરિસંવાદ યોજાયો

અમદાવાદઃ ભૌતિકવાદની પરાકાષ્ઠા, ટેકનોલોજીની પ્રચુરતા, સંપત્તિ પાછળની દોટની તીવ્રતા- આ બધાને કારણે ગુજરાતની અસ્મિતા ઘસાઈ રહી છે. જે સદ્દગુણ-પ્રતિભા-વિશેષતા માટે ગુજરાતી પ્રજા વિખ્યાત છે તેમાં ઓટ આવી રહી છે ત્યારે ગુજરાતની અસ્મિતા વિશે ચર્ચા થાય અને જે કરવાપણું હોય તેનો અમલ થાય એ ઇચ્છનીય છે.

ચાર દાયકાથી પણ વધુ સમય સત્ત્વશીલ અને સંવેદનશીલ પત્રકારત્વને સમર્પિત કરનારા વરિષ્ઠ સંપાદક ભિખેશ ભટ્ટ ગુજરાતી અસ્મિતા માટે સતત કામ કર્યા કરે છે. તેઓ અનુકૂળતાએ અસ્મિતા ગુર્જરી સામયિક પણ પ્રકાશિત કરે છે. તેમની નેમ ગુજરાતની અસ્મિતાનું સતત જતન અને સંવર્ધન થતું રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવાનું છે. તેમના પ્રયાસોથી AMAમાં પરિસંવાદ યોજાયો હતો.

સતત દસ વર્ષ સુધી શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાનો રાષ્ટ્રીય ખિતાબ મેળવનાર AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશને)એ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ‘ગુજરાતની અસ્મિતા’ જેવા અત્યંત મહત્ત્વના વિષય પર નવમી જુલાઈએ પરિસંવાદ યોજ્યો હતો, જે માટે સંસ્થાના પ્રમુખ દિવ્યેશ રાડિયા, AMAના એક્ઝિક્યુટિવ ડિરેકટર ઉન્મેષ દીક્ષિત તથા ટીમને અભિનંદન આપવાં જોઈએ.

ઉન્મેષ દીક્ષિતે આ પ્રસંગે કહ્યું હતું અમને આનંદ છે કે આ વિષય પર અમે પરિસંવાદ યોજી રહ્યા છીએ. મેનેજમેન્ટ ઉપરાંત જીવનને સ્પર્શતા અનેક વિષય પર AMA સતત સક્રિય રહે છે. તેમણે ઉમેર્યું હતું કે AMA દ્વારા ટૂંક જ સમયમાં ‘ગુજરાતી ફોર નોન-ગુજરાતી’નો અભ્યાસક્રમ પણ શરૂ થવાનો છે. અમદાવાદમાં વસતા સૌને તેનો લાભ મળે તો ગુજરાતની અસ્મિતા આવનારી પેઢી પણ માણશે.

ભિખેશ ભટ્ટે ભૂમિકા બાંધી હતી. કવિ વિનોદ જોશીએ ભાષા-સાહિત્યના સંદર્ભે, વસંતભાઈ ગઢવીએ સમાજસેવા વિશે અને રમેશ તન્નાએ પત્રકારત્વ સંદર્ભે ચર્ચા કરી. આ કાર્યક્રમનું સંચાલન ભિખેશ ભટ્ટે કર્યું હતું. આ પરિસંવાદમાં દિવ્યેશ રાડિયા, ઉન્મેષ દીક્ષિત, અરવિંદ બારોટ, અર્ચન ત્રિવેદી,  નિપેશ પંડ્યા, કિશોર જોશી, દિલીપ દવે, ભૂમિકા બારોટ, ડો. નલિની ગણાત્રા- અશ્વિનકુમાર ગણાત્રા, બંકિમ મહેતા, ડો. સ્વાતિબહેન જોશી-વીસનગર, સુધીર શેઠ અને અશ્વિન લિંબાચિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીરોઃ AMA-અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન)