રાજ્યમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જનતાને રીઝવાનો પ્રયાસ કરતા હોય છે. પણ જ્યારે જનતા પોતાના ઉમદવારની પસંદગી કરે છે, ત્યારે તેમણે ઉમેદવાર સંદર્ભે શું ખબર હોય છે? ADRએ એક રીપોર્ટ જાહેર કર્યો છે જેમાં ગુજરાતના 26 લોકસભા મતક્ષેત્ર પરથી ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસ, નાણાકીય વિગતો અને શૈક્ષણિક વિગતો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે.
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 266 ઉમેદવારો પૈકી 14 ટકા ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 8 ટકા એટલે કે, 21 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ભાજપના 26માંથી 4 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 2 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 23 ઉમેદવારો પૈકી 5 સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 3 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.
આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોમાંથી 1 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 1ની સામે જ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. સૌથી વધુ ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર અને અપક્ષના ઉમેદવાર ઇસ્માઇલ અહેમદ પટેલ પર સૌથી વધુ ક્રિમિનલ કેસ છે. ચૈતર વસાવા પર 13 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 17 ગંભીર ગુનાની કલમ છે. જ્યારે 56 અન્ય કલમ છે. ચૈતર વસાવા સામે ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળ ગુના નોંધાયેલા છે. ઇસ્માઇલ પટેલ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા છે. જેમાંથી 12 ગંભીર પ્રકારની કલમ અને 18 અન્ય કલમ હેઠળ નોંધાયેલા છે.
કેટલા ઉમેદવાર છે કરોડપતિ?
ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં ભાજપના 3 ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી વધુ મિલકત ધરાવતા 3 ઉમેદવારો છે. જેમાં ભાજપના પૂનમ માડમ પાસે 147 કરોડ, ભાજપના અમિત શાહ પાસે 65 કરોડ અને ભાજપના સી.આર. પાટીલ સામે 39 કરોડની સંપત્તિ છે.જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર છે. જેમાં BSPના રેખાભાઈ હરસિંગ ચૌધરી પાસે રૂ.2000, કોંગ્રેસના નિલેશ વસાઈકર પાસે રૂ. 12,841 અને અન્ય એક અપક્ષ ઉમેદવાર પાસે રૂ. 13,841 સંપત્તિ છે. નોંધનીય છે કે ગુજરાતના સૌથી વધારે દેવું ધરાવતા ઉમેદવારની વાત કરીએ તો ભાજપનાં પૂનમ માડમ પર 53 કરોડ, કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર 9 કરોડ અને કોંગ્રેસનાં જેની ઠુંમર પર 3 કરોડનું દેવું છે.