અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત ગેસે CNG અને PNGના ભાવવધારો કર્યા બાદ હવે અદાણીએ પણ CNGના ભાવમાં વધારો કર્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ અદાણી દ્વારા CNG પર કિલોદીઠ રૂ. એકનો વધારો કરવામાં આવ્યો છે. જેથી અદાણી CNGનો નવો ભાવ રૂ. 80.34 થયો છે. અદાણી CNGમાં ગેસમાં વધારો થતાં મોંઘવારીમાં પણ વધારો થશે, કેમ કે મોટા ભાગની રિક્ષા અને સ્કૂલ વાનવાળાઓ પણ CNG ગાડીઓનો વપરાશ કરે છે. આમ મધ્યમ વર્ગ પર મોંઘવારીનો એક વધુ માર પડશે. હજી થોડા દિવસો પહેલાં ગુજરાત ગેસે પણ ગેસના ભાવમાં ભાવવધારો કર્યો હતો. ગુજરાત ગેસના ભાવવધારાને પગલે અદાણીએ પણ ગેસમાં ભાવ વધારો કર્યો હતો.
ગુજરાત ગેસ પંજાબમાં 100 નવાં CNG સ્ટેશન સ્થાપશે
ગેસ સપ્લાય ક્ષેત્રે અગ્રણી કંપનીઓમાંની એક ગુજરાત ગેસ તેની વિસ્તરણ યોજના પર કામ કરી રહી છે. ગુજરાત ગેસ પંજાબમાં મોટા વિસ્તરણ યોજના ધરાવે છે, જે ભારતના ઉત્તરીય પ્રદેશમાં એક મહત્વપૂર્ણ રાજ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ગેસ કંપની પંજાબમાં નવાં સીએનજી સ્ટેશનો ખોલવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ગેસ ટૂંક સમયમાં પંજાબ રાજ્યમાં 100 નવાં CNG સ્ટેશન ખોલશે. તેનાથી કંપનીના બિઝનેસમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. કંપની આગામી ત્રિમાસિક ગાળામાં પંજાબમાં 100 નવાં CNG સ્ટેશન સ્થાપશે.
કંપનીની વિસ્તરણ યોજના હેઠળ વાઘા બોર્ડર પાસે સેનાને PNG સપ્લાય પણ શરૂ કરવામાં આવશે. ગેસ કંપનીએ અત્યાર સુધીમાં પંજાબમાં કુલ 450 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાજ્યમાં કંપની દ્વારા વધુ રોકાણની પણ શક્યતા છે. હાલમાં, કંપનીએ 60 કિલોમીટરની પાઇપલાઇન બિછાવીને પંજાબના બેથી ત્રણ શહેરોને આવરી લીધા છે.