શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાયો UK, Europe દિવસ

અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે UK, Europe દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમ ભારતમાં BAPS મંદિરો દેશનું ગૌરવ છે ત્યારે યુકે, યુરોપમાં પણ આ મંદિરોએ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે. જેના કારણે વર્ષ 1988માં તેમનું બ્રિટન પાર્લામેન્ટમાં ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું જેનાથી દેશનું માથું ગર્વથી ઉંચુ થઈ ગયું હતું.

વિદેશમાં પણ બાપાના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી

યુકે અને યુરોપમાં ગત ઓગસ્ટ, 1995 માં શિખરબધ્ધ હિન્દુ મંદિરની પ્રમુખસ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 7 ડિસેમ્બર, 2022 ના રોજ વેમ્બલી સ્ટેડિયમની આર્ક ભગવા રંગમાં ઝળહળી ઉઠી હતી. લંડન BAPS શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં 22 જુલાઇ,2022 થી 31 જુલાઇ,2022 સુધી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સપીરેશન્સ’ ઉજવાયો હતો. જેમાં 75000 કરતાં વધુ મુલાકાતીઓએ લીધો લાભ હતો. આ ઉપરાંત 1995માં લંડન BAPS સ્વામિનારાયણ મંદિરને સ્ટોન ફેડરેશન દ્વારા ‘ નેચરલ સ્ટોન એવોર્ડ ’ આપવામાં આવ્યો હતો.

યુરોપમાં આ મંદિરોના કારણે અનેક એવોર્ડ મળ્યા હતા

વર્ષ 1995માં લંડન BAPS સ્વામિનારાયણ મંદિરને 70 લાખ એલ્યુમિનિયમ કેનના રિસાયકલિંગ દ્વારા તેને મંદિર નિર્માણમાં વાપરવા બદલ પર્યાવરણીય એવોર્ડ ‘બ્રેન્ટ ગીન લીફ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. 1996માં રોયલ ફાઇન આર્ટ કમિશન & બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટિંગ’ દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનને ‘મોસ્ટ એન્ટરપ્રાઈઝિંગ બિલ્ડિંગ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1997, 1998, 2000, 2001 અને 2002માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતની બહાર પરંપરાગત રીતે બાંધવામાં આવેલા સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે BAPS લંડન મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અનેક વખત વિદેશના મંદિરોને મળ્યું ઉચ્ચ સ્થાન

1998માં વિશ્વવિખ્યાત ‘રીડર્સ ડાઈજેસ્ટ’ મેગેઝીન દ્વારા ‘ 70 વન્ડર્સ ઓફ ધ મોડર્ન વર્લ્ડ’ માં BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – મિલેનિયમ એડિશનમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને માસ્ટર બિલ્ડર તરીકે બિરદાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે આયોજિત 1247 શાકાહારી વાનગીઓયુક્ત અન્નકુટ ઉત્સવને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2007 માં ‘યુકે પ્રાઈડ ઓફ પ્લેસ’ થી BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનને સમ્માનિત કરવામાં આવ્યું હતું. 2009 માં ‘કવીન્સ એવોર્ડ’ થી BAPS સ્વામિનારાયણ સંસ્થા યુ.કે.ની બાળપ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત 2009,2010 અને 2012 માં BAPS સ્વામિનારાયણ મંદિર લંડનને શ્રેષ્ઠ લેન્ડસ્કેપ માટે ‘બ્રેન્ટ ઇન બ્લૂમ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો.

કોરોનાકાળમાં પણ સારી પ્રવૃત્તિ કરાઈ હતી

BAPS સ્વામિનારાયણ મંદિર લંડનમાં આયોજિત વેકસીનેશન સેન્ટર દ્વારા કોવિડ દરમિયાન વેક્સિનના 80000 ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોવિડ તેમજ અન્ય આપત્તિઓ દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા ભારત અને અન્ય દેશોમાં અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ સપ્ટેમ્બર, 2022 દરમિયાન પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આજની સભામાં ક્યાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત હતા ?

આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ, સ્થાપક અને આધ્યાત્મિક વડા – શ્રીમદ રાજચંદ્ર મિશન, શ્રી હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી – ભારત સરકાર, જનરલ. ડો.વી.કે. સિંહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી – ભારત સરકાર, પદ્મશ્રી બેરી ગાર્ડિનર, બ્રેન્ટ નોર્થ, સંસદ સભ્ય – યુકે, પદ્મશ્રી બોબ બ્લેકમેન, હેરો ઈસ્ટ, સંસદ સભ્ય – યુકે, એલેક્સ એલિસ, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર, ડો. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, રાજ્ય કેબિનેટ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર, પી.કે. મહેરા, એર માર્શલ (નિવૃત્ત) – ભારત સરકાર, મનોજ લાડવા, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ- ‘ઈન્ડિયા ઇન્ક’. ગ્રુપ, વિજય દરડા, ચેરમેન – લોકમત મીડિયા ગ્રુપ, રાકેશ સિંહ, સંસદ સભ્ય (જબલપુર મતવિસ્તાર), જયેશ શાહ, ચેરમેન – શ્રી નમન ગ્રુપ, અશોક જૈન, મેનેજિંગ ડિરેક્ટર – જૈન ગ્રુપ, અનિલ કુમાર મિત્તલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – KRBL લિમિટેડ અને રાકેશ ચૌરસિયા, પ્રખ્યાત ભારતીય વાંસળીવાદક ઉપસ્થિત રહ્યા હતા.

આજના પ્રોફેશનલ કોન્ફરન્સમાં કોણે શું કહ્યું ?

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજરોજ યોજાયેલ પ્રોફેશનલ કોન્ફરન્સમાં Pharma Conclave ના આયોજક ઈન્ડિયન ડ્રગ મેનૂફેક્ચરરર્સ એસોસિએશન (IDMA) હતા. જેમાં ઉપસ્થિત ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન ડો.શ્રેણિક શાહે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ અને BAPS નો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ છીએ જ્યારે IDMAના ઇતિહાસની છેલ્લાં 60 વર્ષની સૌથી મોટી કોન્ફરન્સનું આયોજન અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયું છે.

આ ઉપરાંત BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, “આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય છે. આપણે આ કોન્ફરન્સમાં એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણે કેવી રીતે એકબીજાના સ્પર્ધક નહીં, પરંતુ એકબીજાના પૂરક બની શકીએ. પ્રમુખસ્વામી મહારાજે અહંકાર દૂર કરી સંવાદિતાની સ્થાપના પર ભાર મૂક્યો. 80,000 સ્વયંસેવકોથી ધબકતું પ્રમુખસ્વામી મહારાજ નગર સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામાયણ યુગમાં વાનરોએ ભગવાન શ્રી રામના નામને પથ્થર પર લખી સેતુનું નિર્માણ કર્યું. આજે 200 એકરની જગ્યામાં ‘સ્વામિનારાયણ’ મંત્રજાપ કરતાં આ સ્વયંસેવકોએ 1 કરોડ પેવર બ્લોક્સ લગાવવાનું કાર્ય કર્યું. પ્રમુખસ્વામી મહારાજે કોઈ ચમત્કાર કરવાનો દાવો ન કર્યો, પરંતુ ચમત્કૃતિ સર્જવાનો માર્ગ દર્શાવી દીધો. આજે 600 એકરમાં પથરાયેલું આ પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વયંસેવકોમાં સંવાદિતા દ્વારા થયેલ ચમત્કાર છે.”

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCOA)ના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, “ઘણાં વર્ષો પહેલાં જ્યારે હું FDCOAનો જોઇન્ટ કમિશનર હતો ત્યારે, મેં NCT દિલ્લીમાં ડ્રગ કન્ટ્રોલરની પોસ્ટ માટે અરજી કરી હતી. હું પ્રમુખસ્વામી મહારાજને આશીર્વાદ માટે મળ્યો. પ્રમુખસ્વામી મહારાજે મને આ ઇન્ટરવ્યૂમાં જવાને બદલે ગુજરાતની સેવા કરવા સૂચન કર્યું. એમના માર્ગદર્શન મુજબ હું ઇંટરવ્યૂ માટે ન ગયો. આજે હું ગુજરાતના FDCOAના કમિશનર તરીકે આપની સમક્ષ ઊભો છું.

CDSCO ના ડેપ્યુટી ડ્રગ્સ કન્ટ્રોલર જયંત કુમારે જણાવ્યું, હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરનું સર્જન તેમના પ્રત્યે સૌના પ્રેમનું પરિણામ છે.” IDMA ના રાષ્ટ્રીય પ્રમુખ વિરંચિભાઈ શાહે જણાવ્યું હતું કે, “ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ સાહસિકો તરીકે આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોમાંથી નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણો ગ્રહણ કરવાના છે”. એસટ્રલ સ્ટરીટેકના સ્થાપક ડો. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, “આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને લોકોના જીવનમાં દ્રઢ કરવામાં અને શ્રેષ્ઠ મેનેજમેન્ટનો આદર્શ બેસાડવામાં BAPS સંસ્થાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.”