અમદાવાદઃ દેશના ટોચના અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) મારફત સ્વિટ્ઝર્લેન્ડસ્થિત હોલ્સિમ લિ.ની બે કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.ને હસ્તગત કરવા કરાર કર્યો છે. અદાણી જૂથે હોલ્સિમની પેટા કંપનીઓ અંબુજા સિમેન્ટ્સમાં ૬૩.૧૯ ટકા અને એસીસીમાં ૫૪.૫૩ ટકા ૧૦.૫ અબજ ડોલરમાં હસ્તગત કર્યો છે, જે આંતર માળખાકીય અને બાંધકામ ક્ષેત્રમાં અદાણી જૂથનો મર્જર અને એક્વિઝિશનનો સૌથી મોટો સોદો છે. જેથી અદાણી ગ્રુપ વાર્ષિક ૭૦ MTPAની ઉત્પાદક ક્ષમતા સાથે દેશનું બીજા નંબરનું ઉદ્યોગ ગૃહ બન્યું.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સિમેન્ટના વ્યવસાયમાં અમારું આ કદમ રાષ્ટ્રની વિકાસ ગાથામાં અમારી દ્રઢ માન્યતાને વધુ એક વાર માન્ય ઠેરવે છે, એમ જણાવતાં આવનારા કેટલાક દાયકાઓ સુધી ભારત વિશ્વની સૌથી મોટી માગ-સંચાલિત અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક રહેવાની ધારણા છે. એટલું જ નહીં, પણ ભારત વિશ્વનું સૌથી મોટું બીજું સિમેન્ટ બજાર બની રહ્યું હોવા છતાં સરેરાશ વૈશ્વિક માથાદીઠ સિમેન્ટનો વપરાશ અડધાથી પણ ઓછો છે. વળી, ચીનનો સિમેન્ટનો વપરાશ ભારત કરતાં સાત ગણાથી વધુ છે.
Our belief in the India story is unshakeable. Combining @Holcim's cement assets in India with our green energy and logistics will make us the world's greenest cement company. Jan Jenisch has been terrific to work with. We welcome the @AmbujaCementACL & @ACCLimited teams. pic.twitter.com/iThyLp92iV
— Gautam Adani (@gautam_adani) May 15, 2022
અદાણી ગ્રુપના પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ બિઝનેસ, એનર્જી બિઝનેસ અને રિયલ એસ્ટેટ બિઝનેસ જેવા હાલના વ્યવસાયોની કેટલીક બાબતો સાથે આ પરિબળો સાથે જોડવામાં આવે છે ત્યારે અમારું માનવું છે કે અમે વિશિષ્ટ રીતે સંકલિત અને વૈવિધ્યસભર એક બિઝનેસ મોડલ તૈયાર કરી શકીશું અને અમારી જાતને નોંધપાત્ર ક્ષમતા વિસ્તરણ માટે પ્રસ્થાપિત કરી શકીશું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે સિમેન્ટ ઉત્પાદનમાં હોલ્સિમનું વૈશ્વિક નેતૃત્વ અને ટકાઉપણાની શ્રેષ્ઠ પ્રણાલીઓ અમારા માટે કેટલીક અત્યાધુનિક તકનીકોની ભેટ લઈ આવે છે, જે અમે વિચારેલા ગ્રીન સિમેન્ટ ઉત્પાદનના માર્ગને વેગ આપશે. વળી, વિશ્વની બે સૌથી મજબૂત બ્રાન્ડ્સ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી બંને ભારતમાં સ્વીકૃત છે. જ્યારે તે અમારા રિન્યુએબલ પાવર જનરેશન ફૂટપ્રિન્ટ સાથે સંવર્ધિત થશે ત્યારે સિમેન્ટ ઉત્પાદન માટે આવશ્યક એવા ડિકાર્બોનાઇઝેશનની અમારી સફરમાં અમે એક મોટી શરૂઆત કરીએ છીએ.
હોલ્સિમ લિ.ના CEO જેન જેનિશે જણાવ્યું હતું કે મને આનંદ છે કે અદાણી ગ્રુપ તેના વિકાસના આગામી યુગને આગળ ધપાવવા માટે ભારતમાં અમારો વ્યવસાય હસ્તગત કરી રહ્યું છે. હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસી વાર્ષિક ૭૦ મિલિયનન ટનની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ દેશની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની છે, બંને કંપનીના ૨૩ સિમેન્ટ પ્લાન્ટ્સ, ૧૪ ગ્રાઇન્ડિંગ સ્ટેશન્સ, ૮૦ રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ્સ અને ભારતમાં ૫૦,૦૦૦ ચેનલ ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. આ હસ્તાંતરણ કાયદાકીય મંજૂરીઓ અને શરતોને આધીન છે.