શેષનાગ આકારની 551 દિવડાંની અનોખી આરતી

નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબાની સાથે ભક્તિના અવનવા સ્વરૂપો પણ જોવા મળે છે. માતાજીની સ્થાપના અને ગરબે ઘૂમવા ચોક મંડપને અનોખી રીતે સજાવવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચના આરતી વખતે ફૂલો, દિવડાં, લાઇટિંગ, રંગોળી, ડેકોરેશનથી સજાવટ કરવામાં આવે છે.

 

જ્યારે સજાવેલા મંડપમાં આરતી થાય ત્યારે સૌ ભક્તિમય બની જાય છે. એમાંય કેટલાક લોકો સ્ટેન્ડ અને  શરીર સાથે જોડી અસંખ્ય દિવડાં પ્રગટાવી આરતી ઉતારતા હોય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા પિન્ટુ જોષીએ શેષનાગના આકારની આરતી તૈયાર કરાવડાવી છે. આ આરતી 551 દિવડાં સાથે પ્રગટે છે.  શરીર પર આ આરતીના દિપડાં પ્રગટાવવાથી  શેષનાગ જેવો આકાર તૈયાર થઈ ઝળહળી ઉઠે છે.

મૂળ પીપળજ ગામના દહેગામ રહેતા પિન્ટુ જોષી ચિત્રલેખા.કોમને કહે છે હું વર્ષ 1997 એટલે કે 27 વર્ષથી શેષનાગની તૈયાર કરેલી આરતી લઇ કાર્યક્રમોમાં જઉં છું. અત્યાર સુધીમાં ગણેશોત્સવ, ચૈત્રી નવરાત્રિ, શારદીય નવરાત્રિ, સમુહ લગ્નો,જાતર, ડાયરા જેવા અનેક કાર્યક્રમોમાં 551 દિવડાંની ભવ્ય આરતીના કાર્યક્રમો કર્યા છે.

ધાર્મિક ભાવના ધરાવતા પિન્ટુ જોષી આમતો દહેગામના વેપારી છે. પરંતુ માતાજી પ્રત્યેની એમની શ્રધ્ધાએ 27 વર્ષ પહેલાં એમને 551 દિવડાં સાથેની શેષનાગના આકારની આરતીના કાર્યક્રમ કરવાની પ્રેરણા આપી હતી. સમગ્ર નવરાત્રિ દરમિયાન ભરચક કાર્યક્રમો વચ્ચે ભારેખમ આરતી સાથે પિન્ટુભાઈ માતાજીની ભક્તિ માટે તત્પર રહે છે.એમની શેષનાગ આકારની ઝળહળતા દિવડાં સાથેની આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)