મધ્યમ વર્ગના પરિવારને બે મહિનાનું અધધધ વીજબિલ

અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળા પછી હવે ધીમે-ધીમે લોકોની જિંદગી થાળે પડી રહી છે. જોકે રોગચાળાના કપરા સમયમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે, ત્યારે વીજ કંપનીએ બેદરકારી સામે આવી છે. UGVCLની ગંભીર લાપરવાહીને કારણે સામાન્ય જનતાને ભોગવવું પડે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બાવળામાં ગોહિલ પરિવારને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વીજળીનું બિલ આવ્યું તો તેમના પગ નીચેથી  જમીન ખસી ગઈ. ગોહિલ પરિવારને વીજળીનું બે મહિનાનું બિલ રૂ. 4.75 લાખ આવ્યું હતું. તેમના ઘરમાં માત્ર ત્રણ પંખા, ટ્યૂબલાઇટ, ટીવી અને ફ્રિજનો ઉપયોગ થાય છે. તેમને સામાન્ય રીતે સરેરાશ બિલ રૂ. 2500ની આસપાસ આવે છે, પણ આટલું મોટા બિલને જોઈને તેઓ અવાક થઈ ગયા હતા. આ વિશે પરિવારે UGVCLની ઓફિસમાં લેખિત અરજી પણ આપી છે. જોકે સામે પક્ષે કંપની દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

બીજી બાજુ પંજાબના નવનિયુકત મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ રાજ્યના વીજળીના ગ્રાહકોને મોટી ભેટ આપી હતી. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો અંગેની જાહેરાત કરતાં મુખ્ય પ્રધાને રાજ્યમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં જે લોકોનાં વીજળીનાં બિલો બાકી છે તેમનાં બાકી બિલોની તમામ રકમ માફ કરી દીધી હતી. સરકારના આ નિર્ણયથી અંદાજે ૫૩ લાખ પરિવારોને લાભ થશે.