સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

SAC- ISRO અને  ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘WASTE TO WEALTH’ વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં બે દિવસ માટે કલરિંગ, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, મોડેલ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના ઉદ્ઘટાન સમારંભમાં ઈસરોના ગ્રૂપ ડાયરેક્ટર ડો. ડી. રામ રજક, સીનિયર સાયન્ટિસ્ટ ડો. રવિકુમાર વર્મા અને રીચા શ્રીવાસ્તવ, ગુજકોસ્ટના સાયન્ટિફિક ઓફિસર પાવિત શાહ અને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ વેસ્ટમાંથી વેલ્થ કેવી રીતે બનાવી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓછામા ઓછું વેસ્ટ થાય તે અંગે સમજાવવામાં આવ્યું હતું.

ત્રણ અલગ અલગ કેટેગરીમાં કલરિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓ માટે, બીજી કેટેગરીમાં ધોરણ-4થી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે કલરિંગ કોમ્પિટિશન તથા ત્રીજી કેટેગરીમાં ધોરણ-7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ, પેઈન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર, ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ, ઈસરોના ડાયરેક્ટર નીલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ પ્રથમ ત્રણ નંબરે વિજેતા  થયેલા બાળકોને પુરસ્કાર તેમજ સ્પર્ધામાં સહભાગી થનારા દરેક બાળકોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે પ્રથમ નંબરે આવનારા વિદ્યાર્થીઓને ભેટસ્વરૂપે ટેલિસ્કોપ પણ આપવામાં આવ્યા હતા.