ગુજરાતી પ્રતિભાઓ માટે શરૂ થયું નવું કલાકેન્દ્ર ‘અંબાણી સ્ટુડિયોઝ’

દિલ્હી: દિલ્હીમાં અશોક વિહારમાં વિશેષ કરીને ગુજરાતી કલાકારો માટે એક ભવ્ય ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે. ‘અંબાણી સ્ટુડિયોઝ’ને નામે આ મલ્ટીપર્પઝ સ્ટુડિયો હાલમાં જ જાણીતા સાહિત્યકાર અને નાટ્ય-દિગ્દર્શક ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉદઘાટન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ખાસ કરીને દિલ્હીમાં ગુજરાતી પર્ફોર્મિંગ પ્રતિભાઓ માટે આવી એક જગ્યાની અછત અનુભવાતી હતી તે આ સ્ટુડિયો માધ્યમે અહીંના ગુજરાતી કલાકારો માટે એક વરદાનરૂપ પ્રવૃત્તિ-કેન્દ્ર બની રહેશે. પાછલાં વર્ષોમાં લગાતાર સફળ નાટકો આપીને રાજધાનીમાં ગુજરાતી રંગમંચને પુનરુત્થાન અપાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સારો કલાકાર બની શકે છે, પણ એ માટે એનામાં આત્મવિશ્વાસ, ધગશ તથા નિષ્ઠા હોવી જોઈએ અને સમય કાઢીને સ્ટુડિયોમાં પર્ફોર્મ કરવાનું  ધૈર્ય પણ હોવું જોઈએ. 

આ સ્ટુડિયોનું નિર્માણ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ અંબાણીએ કર્યું છે જેઓ પોતે એક જાણીતા અને ઉમદા કલાકાર છે. અનેક નાટકોમાં તેમને ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે. તેમણે જણાવ્યું કે અભિનયનો પોતાનો શોખ સક્રિય રાખવા અને દિલ્હીમાં ગુજરાતી ભાષા-સાંસ્કૃતિક વાતાવરણ જીવંત રાખવાના આશયે આ સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અવસરે દેશનાં જાણીતાં કુચીપુડી નૃત્યાંગના-ગુરુ મીનુ ઠાકુરે અતિથિ વિશેષ હતાં. તેમણે અંબાણી સ્ટુડિયોઝને અભિનંદન અને શુભેચ્છા પાઠવતાં ગુજરાતીઓ દ્વારા અહીં કળાકીય પ્રવૃત્તિઓ દિવસોદિવસ વધુ ને વધુ ખીલી ઊઠશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અંબાણી એન્ડ એસોસિયેટ્સનાં પાર્ટનર પ્રેરણા અંબાણીએ સૌનું સ્વાગત કર્યું હતું. વોઇસ આર્ટિસ્ટ અને અભિનેત્રી રાખી રાંકાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે જાણીતાં કલાકાર ક્ષમા સંઘવી, પ્રીતિ ડોડિયા, કીર્તિ રાવલ, હાર્દિક દેસાઈ વગેરેએ હાજરી આપી હતી.