અહીં અપાય છે ગણપતિ દાદાને ‘ગાર્ડ ઓફ ઓનર’

‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિધ્ન કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા’ સમગ્ર દેશ ગણેશમય બન્યો છે. ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હવે બાપ્પાના વિસર્જન આડે ગણતરીના દિવસો બાકી છે. ભાવિકોમાં દાદાના ઉત્સવને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવી છે ગુજરાતના મહેસાણામાં આવેલા ગણપતિ મંદિરની.

સવાસો વર્ષ પૌરાણીક મંદિર ગુજરાતભરમાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મહેસાણાના ફુવારા સર્કલ, રાજમહેલ રોડ પાસે આવેલા આ ગણપતિ દાદાનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે બાપ્પાની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. પરંતુ અહિં સ્થિત દાદા જમણી સૂંઢ સાથે બિરાજમાન છે. કહેવાય છે કે દાદાની આ પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે. એટલુ જ નહીં સમગ્ર ગુજરાતમાં માત્ર આ ગણપતિ દાદાને દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

સિદ્ધિવિનાયક મંદિરની સ્થાપના અને પરંપરા વિશે વાત કરતા મંદિરના મહંત લાલદાસજી ગુરૂ ગણેશજી મહારાજ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ મંદિરમાં ગાયકવાડ સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. આ મંદિર ઉદાસીન પંચાયતી બડા અખાડા સાથે સલંગ્ન છે. ઉદાસીન સંપ્રદાયના મહાત્માં નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નિકળ્યા હતા. એ દરમિયાન એ મહેસાણા આવ્યા અને અહીં ધુણી ધખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી.

વધુમાં મહંત લાલજીદાસજી એ કહ્યું કે 1911માં અહીંયા નિરંજન દાસ ગુરૂએ જમીન ખરીદી હતી અને 1911માં નિરંજન દાસે રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર જમીન ખરીદી હતી. અને 1914-15માં મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં અવરિત ભજન સંધ્યા ચાલે છે. છેલ્લા 45 વર્ષથી બાપ્પાના સાનિધ્યમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો પોતાની વાણી પવિત્ર કરે છે. ગણપતિ દાદાની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે મહેસાણા પોલીસ દ્ધારા બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પરંપરા અવરિત છે.

પ્રથમ વખત બાપ્પાને 1921થી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. પહેલાના સમયમાં મહેસાણાનાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવીને બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. આજે પણ આ પરંપરા યથાવત છે.

સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. બારે મહિના ભક્તોની ભીડ રહે છે. ખાસ કરીને મંગળવાર, સંકટ ચોથ, અનંત ચોથ અને ગણેશમહોત્સવ દરમિયાન ભાવિકો દાદાના દરબારમાં શીશ નમાવે છે.

કહેવાય છે કે ભક્તોની આસ્થાના પ્રતિક સમા આ ગણેશ મંદિરમાં દાદા બધાની ફરીયાદ સાંભળે છે અને એનું નિવારણ પણ કરે છે.

 

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ