ગણપત યુનિવર્સિટી, લીલાવતી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો 

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટી-ખેરવા અને લીલાવતી હોસ્પિટલ-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન 17-12-2022એ શનિવારે કમળાબા પ્રાર્થના ભવન, ધી યુનિયન હાઇસ્કૂલ, લોંઘણજ મુકામે યોજવામાં આવ્યું હતું.આ આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ  ગણપતભાઈ આઇ. પટેલ, પ્રો ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ ડોક્ટર મહેન્દ્ર શર્મા, પ્રોવાઇસ ચાન્સેલર ડોક્ટર આર કે પટેલ, લોંઘણજ ગામના સરપંચ અશોકભાઈ તેમ જ લીલાવતી હોસ્પિટલ-મુંબઈના મોહિત માથુર અને અન્ય ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પનો ઉદ્દેશ ગામના તેમ જ ગામની આજુબાજુમાં આવેલા બળવંતપુરા, રણછોડપુરા, ચલુવા અને વડસ્મા તેમ જ આસપાસનાં અન્ય ગામોના લોકોને વિનામૂલ્યે પ્રાથમિક મેડિકલ તપાસ તેમ જ જરૂરી દવાઓ પૂરી  પાડવાનો હતો.

આ આયોજિત કેમ્પમાં લીલાવતી હોસ્પિટલ-ગુજરાતના અને ગણપત યુનિવર્સિટીના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરો દ્વારા આંખ, કાન નાક ગળા, સ્ત્રી રોગ, જનરલ ફિઝિશિયન તેમ જ કેન્સરને લગતા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવેલું. આ આયોજિત કેમ્પમાં આશરે 1000થી વધુ દર્દીઓએ મેડિકલ સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પનું સફળ આયોજન ગણપત યુનિવર્સિટીના હેલ્થકેર વિભાગના પ્રો વોઇસ ચાન્સેલર ડોક્ટર આર. કે. પટેલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર અમિત પટેલે અને તેમની ટીમે કર્યું હતું, જેના સફળ આયોજન બદલ મેનેજમેન્ટની ટીમે તેમના કાર્યને બિરદાવ્યું હતું. એ સાથે ગામના સરપંચ, સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શૈલેશભાઈના સહકાર માટે  મેનેજમેન્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગિફ્ટ સિટી-ગાંધીનગરમાં આકાર લઈ રહેલી  250 બેડની  લીલાવતી ગ્રુપની  મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ  સાથે મળી ગણપત યુનિવર્સિટીએ ગામેગામ લોકોને ફ્રી મેડિકલ સારવાર મળી રહે અને  આ હોસ્પિટલ સાથે મળી ગણપતિ યુનિવર્સિટીના વિવિધ હેલ્થકેરને લગતા અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત જરૂરી તમામ તાલીમ મળી રહે તેવા ઉદ્દેશ માટે બંને સસ્થાઓ પ્રતિબદ્ધ છે.