જન્મભૂમિમાં ખીલી ઊઠ્યો ‘બાપુનો ચહેરો’, 7,000 નાગરિકોની માનવસાંકળથી સર્જાઈ પ્રતિકૃતિ

અમદાવાદઃ આજે ગાંધીજીની 150મી જન્મ જયંતિને લઈને દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીજીની યાદમાં આજે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વિભિન્ન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે પોરબંદર ખાતે 7000 હજાર જેટલા લોકોએ માનવ સાંકળ રચી ગાંધીજીનો ચહેરો બનાવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ ઉપસ્થિત હતા.

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે રોટરેક્ટ ક્લબ અને લીઓ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવાનોની વચ્ચે જઈને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ માનવ સાંકળ નિહાળી હતી. મહાત્મા ગાંધીના ચહેરાની આ પ્રતિકૃતિની નોંધ ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે. કુલ 7 હજાર જેટલા યુવાનોએ ભેગા મળી ગાંધીજીની આ આબેહુબ પ્રતિકૃતિ બનાવી હતી. ગાંધીજીના ચહેરાની આટલી મોટી પ્રતિકૃતિ બનાવવામાં આવી હોય તેવું વિશ્વમાં પહેલીવાર પોરબંદરમાં બન્યું છે.