રંગીલું રાજકોટ 27 લોકોના લોહીથી રંગાય ગયું. 25મી મે ગુજરાત માટે ફરી એક વાર ગોઝારો દિવસ સાબિત થયો. વેલન્ડિંગના તણખાએ 27ના જીવ ભભૂખી લીધા. રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગને મૃત્યુ આંક 27 પર પહોંચ્યો છે. હાઈ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. ત્યારે હવે એવી લાગી રહ્યું છે કે સરકાર એક્શનમાં આવી હોય. આજે રાજકોટ ગેમઝોન હત્યાકાંડને લઈ 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટ ગેમઝોન હત્યાકાંડને લઈ હાલ બેઠકોના દોર શરૂ થઈ ચૂક્યા છે. SIT તપાસ ચાલી રહી છે. ત્યારે હવે ગેમ ઝોન હત્યાકાંડમાં સહભાગી એવા 6 સરકારી કર્મચારીઓને આજે સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.
નામ | હોદ્દો |
ગૌતમ જોષી | આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર |
જયદીપ ચૌધરી | આસિસ્ટન્ટ ઈજનેર |
એમ.આર.સુમા | R&Bના નાયબ કાર્યપાલક |
પારસ કોઠિયા | R&Bના તત્કાલીન મદદનીશ |
વી.આર.પટેલ | પોલીસ ઈન્સપેક્ટર |
એન.આઈ.રાઠોડ | પોલીસ ઈન્સપેક્ટર |
કાલાવડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27થી વધુ લોકો જીવતા હોમાય ગયાની કાળજું કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠકકર, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલીતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં જે વધુ નામ સામે આવે તેના વિરુધ્ધ આઈપીસીની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ), 308 (સાપરાધ મનુષ્યવધની કોશિષ), 337 (બેદરકારીથી ઈજા પહોંચાડવી), 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને 114 (મદદગારી કરવી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.