29 ડિસેમ્બરે ગુજરાતમાં એકસાથે 4 સરકારી ભરતી પરીક્ષા

ગાંધીનગરઃ આગામી 29 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં એકસાથે 4 સરકારી ભરતી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ એક સાથે ચાર પરિક્ષા યોજાવાની હોવાથી હવે યુવાનો પણ મૂંઝવણમાં મુકાયા છે. આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી અધિક્ષક અને કાર્યાલય અધિક્ષકની પરીક્ષા, કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા, એમએસ યુનિવર્સિટીમાં GSLET – 2019ની ની પરીક્ષાનો સમાવેશ થાય છે.

૨૯ ડિસેમ્બરે રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા લેવાશે. જેમાં 94464 ઉમેદવારોએ અરજી કરી છે. વડોદરા એમ એસ યુનિવર્સિટી દ્વારા GSLET-2019ની પરીક્ષા પણ ૨૯ ડિસેમ્બરે યોજાશે. GSLETના ઉમેદવારો દરેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને કૃષિ યુનિવર્સિટીમાં કલાર્કની ભરતી માટે ફોર્મ ભરનાર ઉમેદવારો ચાર માંથી એકજ પરીક્ષા આપી શકશે. ત્રણ પરીક્ષાની તક ઉમેદવારોએ ગુમાવવી પડશે.

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ કાર્યાલય અધિક્ષક (વર્ગ-૩) ની પરીક્ષા તા. ૨૯-૧૨-૨૦૧૯ સમય : ૩ થી ૫ કલાકે જેમાં ૬૦,૦૦૦ જેટલા પરીક્ષાર્થીઓ ભાગ લેશે. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ કચેરીઓમાં કચેરી અધિક્ષક / કાર્યાલય અધિક્ષક / અધિક્ષકની પરીક્ષા તા. ૨૯-૧૨-૨૦૧૯ સમય : ૧૧ થી ૨ કલાક જેમાં ૯૦,૦૦૦ જેટલા પરીક્ષાર્થીઓ ભાગ લેશે.

ઉપરોક્ત ત્રણેય પરીક્ષામાં સ્નાતક, અનુસ્નાતક અને વધુ ઉચ્ચ અભ્યાસ કરનાર ગુજરાતના યુવાનો પોતાને તક મળે તે માટે બબ્બે વર્ષથી આવેલ જાહેરાત અન્વયે મહેનત કરતા હોય છે. તમામ, પરીક્ષા માટે જરૂરી ફી ના નાણાં સાથે કોચિંગ કલાસ, મટીરીયલ્સ, હોસ્ટેલ ફી, પી.જી. ચાર્જ સહિત સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ કરતા હોય છે.