ગાંધીનગરઃ રાજ્યમાં ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ રમતોત્સવમાં દેશમાંથી ૨૫,000થી વધુ રમતવીરો ભાગ લેશે. રાજ્ય સરકારે તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યનાં છ શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં ૩૬ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ આઠ સ્થળોએ ૧૪ રમત સ્પર્ધાઓ યોજાશે. આ સાથે જ ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ આઠ રમતો, રાજકોટમાં ત્રણ સ્થળોએ બે, ભાવનગરમાં એક જ સ્થળે ત્રણ, વડોદરામાં એક સ્થળે ચાર જ્યારે સુરતમાં બે સ્થળોએ ચાર રમત સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ રમતોત્સવનો સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે.
આ રમતોત્સવમાં ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ૩, ૪ અને ૫ સ્ટાર હોટેલમાં રોકાણ તેમ જ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પ્રથમ વખત આ રાષ્ટ્રીય રમતોત્સવની યજમાનપદું કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલિટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વ કક્ષાની ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ ઈવેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત માટે એક ગૌરવની બાબત છે અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. નેશનલ ગેમ્સ-૨૦૨૨ ઐતિહાસિક બનશે. રમત-ગમતપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના આયોજન અને સફળતામાં ગુજરાત કોઈ જ કસર છોડશે નહીં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.