ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ અમદાવાદમાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં છવાયેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. વિભાગે ખાસ કરીને સાબરકાંઠા, દાહોદ, સાણંદ, લાંભા, મહેમદાવાદ, બાવળા, કઠલાલ, ચેનપુર અને અરવલ્લી અને મહિસાગર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.  ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુર સહિતના ભાગોમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 19.51 ઈંચ સાથે સીઝનનો 58.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બોડેલીમાં સાડાચાર ઈંચ, વાઘોડિયામાં ત્રણ ઈંચ, વડોદરામાં બે ઈંચ, સંખેડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તિલકવાડા, પાદરા અને કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આમ તમામ 33 જિલ્લાઓના 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ વચ્ચે 22 જુલાઈથી અનેક  જગ્યાએ પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે.