રાજ્યમાં પાંચ દિવસની આગાહી વચ્ચે વરસાદે રેકોર્ડ તોડ્યો

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલમાં પણ કેટલાંક સ્થળે ભારે વરસાદ પણ પડે એવી શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઈંચ સાથે સીઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આ વખતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષનો સૌથી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ૭૧ ટકા વરસાદ અને નવસારીમાં આ સીઝનમાં ૭૯ ટકા અને વલસાડમાં ૮૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. જોકે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.રાજ્યમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તમામ જગ્યાએ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ વરસે એવી શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં અમદાવાદના ધોળકામાં 3 ઈંચ, મહેસાણાના કડીમાં બે ઈંચ, રાધનપુરમાં દોઢ ઈંચ, જ્યારે ભાભર, ખેરગામ અને ધોલેરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં હાલ 206 જળાશયોમાં 54.18 ટકા પાણી છે. જેમાંથી 42 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 જળાશયો એલર્ટ પર છે.

રાજ્યના કચ્છમાં સીઝનનો 103 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57.46  અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.40 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.