મહેસાણાઃ ગણપત વિશ્વ વિદ્યાલયમાં ૧૭મા પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં ઉપસ્થિત ભારત સરકારના ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથને જણાવ્યું હતું કે યુવાનોએ પારંપરિક શિક્ષણની સાથે વ્યવસાયિક શિક્ષણ જરૂરૂી છે, જેને ગણપત વિશ્વ વિદ્યાલય અનુસરી રહ્યું છે. તેમણે જણાવ્યુ્ં હતું કે ગણપતભાઇ પટેલના દીર્ઘદષ્ટિ નેતૃત્વને પગલે ગુની પરીવારનો વિદ્યાર્થી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી રહ્યો છે.
આ પદવીદાન સમારોહમાં ૩૫૮૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૨૫૭૧ વિદ્યાર્થીઓ અને ૧૦૧૪ વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સુવર્ણ ચંદ્રક એનાયત કરેલા ૯૨ વિદ્યાર્થીઓમાં ૫૮ વિદ્યાર્થીઓ અને ૩૪ વિદ્યાર્થિર્નીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ૯૩૭ ડિપ્લોમા, ૧૭૦૭ ગ્રેજ્યુએટ, ૮૬૬ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૪૧ પીજી ડિપ્લોમા અને ૩૪ વિદ્યાર્થીઓને ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી આર્કિટેક્ટ ડિઝાઇન પ્લાનિંગ અભ્યાસક્રમમાં ૨૫, કોમ્પ્યુટર એપ્લિકેશન અભ્યાસક્રમમાં ૫૮૦, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ૧૭૮૯, મેનેજમેન્ટ સ્ટડીઝમાં ૩૮૨, ફાર્મસીમાં ૧૪૮, વિજ્ઞાનમાં ૫૯૦ અને સોશિયલ સાયન્સ હ્યુમાનિટીઝ અભ્યાસક્રમમાં ૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી
યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં દરેક અધિકારીઓની પદાધિકારીઓની મદદને પગલે યુનિવર્સિટીનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે જોગાનુજોગ આજે મારો જન્મ દિવસ છે જે દિવસે મને જીંદગીભર યાદ રહી જાય તેવી ભેટ ગુની પરિવારે આપી છે. વિદ્યાર્થીઓએ તેમનું જીવન સફળ અને પ્રેરણાદાય બનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું.
આ ૧૭મા પદવીદાન સમારંભમાં ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ગણપતદાદાનાં ધર્મપત્ની મંજુલાબહેન પટેલ, વિદ્યાર્થીઓ વાલીઓ, આમંત્રિત મહેમાનો, બોર્ડ મેમ્બર્સ ,આચાર્યો, પ્રાધ્યાપકો સહિત પ્રબુદ્ધ નાગરિકો વિદ્વાન પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો.