અમદાવાદઃ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાત મેએ મતદાન છે. રાજ્યમાં પાંચ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 35 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 26 ટકા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. દરેક ઉમેદવારની સરેરાશ મિલકત રૂ. 9.22 કરોડ છે. કુલ છ ઉમેદવારો ઉપર વિવિધ કેસ નોંધાયેલા છે તેમાંથી બે પર ગંભીર ગુના છે. કુલ આઠ ઉમેદવાર કરોડપતિ છે, તેમાં ચાર ભાજપના અને ચાર કોંગ્રેસના ઉમેદવાર છે. સૌથી વધુ મિલકત ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રૂ. 153 કરોડ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઇલેકશન વોચ દ્વારા ઉમેદવારોના સોગંદનામાને આધારે સંપત્તિ, ગુનાઓ અને શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં પોરબંદરમાં છ ઉમેદવારો, માણાવદરમાં ચાર, વાઘોડિયામાં બે, વિજાપુરમાં 8 અને ખંભાતમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કોઇ પણ બેઠક ઉપર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી.
માણાવદરના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરા પર ચિટિંગ, ખંડણીને લગતા કેસ નોંધાયેલા છે. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર ડો. સી.જે. ચાવડા પર ઉશ્કેરણી, ગુનાહિત કાવતરૂ રચવાને લગતા કેસ નોંધાયેલા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પર બદનક્ષી કરવાના લગતા ગુના નોંધાયેલા છે.
ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સૌથી વધુ મિલકત ધરાવે છે તે સાથે સૌથી વધુ જવાબદારી-દેવું પણ તેમની ઉપર કુલ રૂ. 38 કરોડનું છે. તે પછી ભાજપના સી.જે. ચાવડા પર રૂ. પાંચ કરોડ અને કોંગ્રેસના હરિભાઇ કણસાગરા પર રૂ. 1 કરોડનું દેવું છે.
પેટા ચૂંટણીના 24 ઉમેદવારોમાંથી 61 ટકા એટલે કે 14 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે શિક્ષણનું સ્તર ધો. આઠથી ધો. 12 સુધીનું છે. 30 ટકા એટલે કે સાત ઉમેદવાર ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણ્યા છે. એક ઉમેદવાર ચાર ધોરણ સુધી ભણેલા છે અને નિરક્ષર છે. ઉમેદવારોમાં 30 ટકા એટલે કે સાત ઉમેદવારો 25થી 40 વર્ષ સુધીની વય ધરાવે છે, જ્યારે 39 ટકા એટલે કે 9 ઉમેદવાર 41 થી 60 વર્ષ અને 30 ટકા એટલે કે સાત ઉમેદવાર 61 થી 70 વર્ષની વયના છે.