વાઇબ્રન્ટ ગુજરાતમાં વધુ ૨૩ MoU: રૂ. 1 લાખ કરોડના મૂડીરોકાણની શક્યતા

અમદાવાદઃ વડા પ્રધાન મોદીની વિઝનરી લીડરશીપમાં ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસોમાં મહાત્મા મંદિર, ગાંધીનગરમાં યોજાવાની છે. ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્ય મંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઇટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.

આગામી યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં રૂ. એક લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ૭૦,000 રોજગારી સર્જન થવાની સંભાવના છે.

આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂ.૨૭,૨૭૧ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧૦,૧૦૦ રોજગારીનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂ. ૪૫,૬૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૫૫૦૦ રોજગારીનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. ૪૦૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૨૦૦૦ રોજગારીનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ.૧૩,૦૭૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૮૧૫૦ રોજગારીનું સર્જન, ઔદ્યોગિક પાર્ક, ટેક્સટાઇલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂ.૪૪૬૯ કરોડના અંદાજિત રોકાણ સાથે ૩૪,૬૫૦ રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂ. ૩૧૦૦ કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે ૮૨૦૦ રોજગારનું સર્જન તેમ જ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. ૩૫૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧૨૯૦ રોજગારનું સર્જન થશે.

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૫ થી ૨૦૩૦ વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે.