પાકિસ્તાની જેલમાંથી 198 માછીમારો વડોદરા પહોંચ્યા

અમદાવાદઃ પાક જેલમાંથી ગયા સપ્તાહના ગુરુવારે પહેલી ખેપમાં 198 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ માછીમારોને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે આવકાર્યા હતા. આ માછીમારો ત્યાર બાદ વેરાવળ પહોંચતા જ પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી જ પરિવારજનો વેરાવળ ફિશરીઝની ઓફિસમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સી (PMSA)એ આશરે ચાર વર્ષ પહેલાં અરજ સમુદ્દમાં ગુજરાત તટની પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમામાંથી એ દાવો કરતાં પકડ્યા હતા કે તેમણે પાકિસ્તાની જળક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને ગયા સપ્તાહે 198 માછીમારોને છોડી મૂક્યા હતા, જેમાં 184 ગુજરાતના, આંધ્ર પ્રદેશથી ત્રણ, ચાર દીવથી, પાંચ મહારાષ્ટ્રથી અને બે ઉત્તર પ્રદેશમાંથી હતા. વડોદરામાં પરત ફરેલા માછીમારોમાંના એક અહેમદ ખાને જણાવ્યું હતું કે હું 2018થી પાકિસ્તાનની જેલમાં હતો. આજે હું મુક્ત થઈને સારું અનુભવી રહ્યો છું.

પાકિસ્તાનની જેલોમાં બંધ આ માછીમારોને કેન્દ્ર સરકારના કૂટનીતિના પ્રયાસો થકી છોડવામાં આવ્યા હતા અને તેમને 13 મેએ પંજાબની વાઘા સરહદે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન આ માછીમારોનું મત્સ્યપાલન મંત્રી રાઘવજી પટેલસ વિધાનસભ્ય કેયૂર રોકડિયા અને ચૈતન્ય દેસાઈ સહિત અનેક મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

રાજ્યના 184 માછીમારોમાંથી 152 ગીર સોમનાથના, 22 દેવભૂમિ દ્વારકાના અને પાંચ પોરબંદરના અને એક-એક જૂનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ અને નવસારીના છે.