હિંમતનગરઃ ભાજપે વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. પક્ષે એના ભાગરૂપે આદિવાસી બેઠક પર પ્રભુત્વ મેળવવા માટે ગણતરીપૂર્વકનું પગલું ભર્યું છે. સાબરકાંઠાની ભિલોડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસના અનિલ જોષિયારા સતત પાંચ વખત ચૂંટાઈ આવ્યા હતા. જોકે તેમના નિધન પછી તેમના પુત્ર કેવલ જોષિયારા ભાજપમાં જોડાયા છે. પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેવલ જોશિયારા સહિત 1500 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે.
કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા નેતાઓ અશ્વિન કોટવાલ, સીઆર પાટીલ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબજે કરવા ભાજપે તેમને પક્ષમાં આવકાર્યા છે.
કેવલ જોષિયારાએ ભાજપમાં જોડાતાં જણાવ્યું હતું કે મારા પિતા લોકોની સેવા કરીને ધારાસભ્ય બન્યા હતા. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દૂધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ. તેમણે કહ્યું હતું કે હું વડા પ્રધાન મોદીથી પ્રેરણા લઈને ભાજપમાં જોડાયો છે. હું ભાજપમાં બિનશરતી જોડાયો છું, તેમની સાથે કોઇ લોભ-લાલચની ચર્ચા નથી કરી. હું ભાજપમાં નિષ્ઠાથી કામ કરીશ. પાર્ટી જે પણ કામ આપશે તે નિષ્ઠાથી કરીશ.
