ગુજરાતના ૧૩ જળાશયો હાઇ એલર્ટ: ૫ ડેમ માટે એલર્ટ અપાયું

 ગાંધીનગર- ગુજરાતના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૮/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૩ જળાશયો હાઇએલર્ટ, ૦૫ જળાશયો એલર્ટ તેમજ ૧૨ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

ફાઈલ ચિત્ર

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૪ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૩૯.૭૯ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો સંપૂર્ણ ભરાયા છે તેમાં નવસારી જિલ્લાનું ઝૂજ, અમરેલીનું વાડિયા, જામનગરનું પુના, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જામનગરનું ઉન્ડ-૩, નવસારીનું કેલીયા, અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ધોલી, જૂનાગઢનું અંબાજલ, તેમજ ગીર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૩ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે

આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાનું રાવલ, શિંગોડા રાજકોટનું ભાદર-ર, જૂનાગઢનું ઓઝત-ર, મધુવંતી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૨ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન ૩૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્‍યો છે. જેમાં, મેંદરડા તાલુકામાં ૧૩૩ મી.મી., વેરાવળમાં ૧૫૫ મી.મી., માંગરોળ અને કોડિનારમાં ૧૦૫ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તા. ૧૮-૭-૨૦૧૮ના રોજ સાંજે ૬-૦૦ કલાક સુધીમાં જામનગર તાલુકામાં ૯૬ મી.મી., કેશોદમાં ૮૪ મી.મી., માળિયામાં ૭૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કાલાવડમાં ૬૯ મી.મી., તાલાળામાં ૬૮ મી.મી., ઉનામાં ૬૧ મી.મી., વિસાવદરમાં ૫૮ મી.મી., લાલપુર અને વઘઇમાં ૫૮ મી.મી., જામજોધપુરમાં ૫૬ મી.મી., ગાંધીધામમાં ૫૪ મી.મી., ગીર ગઢડામાં ૫૨ મી.મી., જાફરાબાદમાં ૫૦ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્‍ય ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]