ઈંગ્લેન્ડ સામે પહેલી 3 ટેસ્ટની ટીમમાં રીષભ પંતની પસંદગી; શમીનું ટીમમાં પુનરાગમન

નવી દિલ્હી – ફટકાબાજ વિકેટકીપર-કમ-બેટ્સમેન રીષભ પંતને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પહેલી ત્રણ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં દ્વિતીય વિકેટકીપર તરીકે પસંદગી કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ પાંચ ટેસ્ટ મેચ રમાશે. પહેલી મેચ 1 ઓગસ્ટથી બર્મિંઘમમાં રમાશે. બીજી ટેસ્ટ 9 ઓગસ્ટથી લંડનમાં અને ત્રીજી 18 ઓગસ્ટથી નોટિંઘમમાં રમાશે.

પસંદગીકારોએ પહેલી ત્રણ ટેસ્ટ મેચ માટે 18-સભ્યોની ટીમ પસંદ કરી છે. એમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ સામેલ કરવામાં આવ્યો છે.

પંતે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં સરસ બેટિંગ દેખાવ કર્યો હતો એને પગલે પસંદગીકારોએ એને ટીમમાં સામેલ કર્યો છે.

શમી ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જતાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટેની ટીમમાં એને સામેલ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ફરજિયાત એવી યો-યો ટેસ્ટમાં એ પાસ થતાં એ ટીમમાં કમબેક કરી શક્યો છે.

મિડલ-ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરને પણ ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યો છે જ્યારે રોહિત શર્માને પસંદ કરાયો નથી.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જે હાથના અંગૂઠામાં થયેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, એને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ એ માત્ર બીજી ટેસ્ટ મેચથી પસંદગી માટે ઉપલબ્ધ થશે, જોકે એ પણ એની ફિટનેસ પર આધારિત રહેશે, એમ બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે.

દરમિયાન, અન્ય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને મંગળવારે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે મેચ પૂરી થયા બાદ પીઠનો દુખાવો ફરી ઉપડતાં એને પહેલી ત્રણ ટેસ્ટ મેચ માટે પસંદ કરાયો નથી.

ઈંગ્લેન્ડ સામેની પહેલી ત્રણ ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કરુણ નાયર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રીષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર.