અમદાવાદઃ શહેરના શિવાનંદ આશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાને લીધે નિધન થયું છે. તેઓ 76 વર્ષનાં હતા છેલ્લા ઘણા દિવસથી તેઓ શહેરની એસવીપી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા હતા. શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું હતું.
તેઓ એચ.એચ. સ્વામી ચિદાનંદજી મહારાજના શિષ્ય હતા. તેઓ ઘણાં જ સારા યોગાગુરુ. હતા. તેમણે યોગની હજારો શિબિર કરી છે. તેમણે શિવાનંદ આશ્રમમાં ઘણું જ સરસ લક્ષ્મીજીનું મંદિર પણ બનાવ્યું છે.
સ્વામીજીએ કહ્યું હતું કે દિવસની શરૂઆત ‘ઓમકાર’ના જાપથી કરવી. આ ઓમકાર એક મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકાર જાપમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે. સ્વામી અધ્યાત્મનંદજીના નિધન પર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શિવાનંદ આશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી સ્વામી આધ્યાત્મનંદજીએ આજરોજ અંતિમ શ્વાસ લઈ દેહ ત્યાગ કર્યો. સ્વામીજીની વિદાઈથી વ્યક્તિગત રીતે હું દુઃખ અનુભવી રહ્યો છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏 pic.twitter.com/QWyGn7NqTC— Parimal Nathwani (@mpparimal) May 8, 2021
રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 12,064 કેસ નોંધવામાં આવ્યા છે. જેની સામે 13,085 દર્દીઓ સાજા થયા છે. આમ સતત ત્રીજા દિવસે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 119 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8154 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.52 ટકા છે. અત્યાર સુધીમાં 1,02,24,841 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,89,975 વ્યક્તિઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,84,659 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.