સરકારનું સુપ્રીમમાં સોગંદનામું: ઓક્સિજન વધુ ફાળવવા અરજ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે પાંચ મેએ સરકારને 1400 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેએ રાજ્યને 1600 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. જોકે કેંદ્ર સરકાર તરફથી તેમને 975 મેટ્રિક ટન ઓક્સિજન જ મળે છે. કેન્દ્રને વિનંતી છતાં તેમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામામાં આમ જણાવ્યું છે. મુકિમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલા પત્રોની નકલ પણ આ સોગંદનામા સાથે સુપરત કરી છે.

મુખ્ય સચિવે જણાવ્યું હતું કે હાલ રાજ્યનાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યા છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1250 મેટ્રિક ટનની હતી, જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઈ ગઈ છે.

રાજ્યમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ સારવાર આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11, 500 પથારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરવામાં આવી છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતી કરવામાં આવી છે

રાજ્યમાં કોવિડ19 રસીના સ્ટોરેજ માટે પ્રાદેશિક સ્તરે છ રસીકરણ સ્ટોર્સ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 41 સ્ટોર્સ અને 2189 કોલ્ડ ચેઈન પોઇટ ઉપલબ્ધ છે. કેંદ્ર તરફથી 169 આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ રાજ્યને મળ્યા છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો મેડિકલ ઓક્સિજનનો જથ્થો 975 મેટ્રિક ટનથી નહીં વધારવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]