PMJAY યોજનામાંથી બહાર થનારી હોસ્પિટલોમાં ગુજરાત મોખરે

અમદાવાદઃ દેશમાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા 2018માં આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી હતી. જોકે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ ખાનગી હોસ્પિટલો સ્વેચ્છાએ બહાર થઈ છે, ખાનગી હોસ્પિટલોનું કહેવું છે કે યોજના અંતર્ગત નક્કી કરાયેલા નીચા દરો અને પેમેન્ટમાં થતા વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે,એમ અહેવાલ કહે છે. આ હોસ્પિટલોએ વિવિધ કારણો આપીને યોજનામાંથી બહાર થઈ હતી.

આયુષ્માન ભારત યોજનામાંથી સ્વેચ્છાએ બહાર થનારી હૉસ્પિટલોમાં ગુજરાત મોખરે છે. રાજ્યની 233 હોસ્પિટલો યોજનામાંથી બહાર થવાનો ફેંસલો કર્યો છે. કેરળની 146 અને મહારાષ્ટ્રની 83 હોસ્પિટલોએ પણ આ પ્રકારનું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, કુલ 609 હોસ્પિટલો આ યોજનામાંથી બહાર થઈ ચૂકી છે.

છત્તીસગઢ અને ગુજરાત જેવાં રાજ્યોમાં કેટલાક ટ્રીટમેંટ પેકેજ માત્ર સરકારી હોસ્પિટલો માટે હોવાથી અને સરકારી હોસ્પિટલોમાંથી કોઈ રેફરલ ન મળવાથી પણ ખાનગી હૉસ્પિટલો બહાર નીકળી ગઈ છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે આતંરરાજ્ય હોસ્પિટલો માટે ક્લેમ દાખલ કરવા માટે 15 દિવસની અંદર અને પોર્ટેબિલિટી હોસ્પિટલો (રાજ્યની બહાર) માટે 30 દિવસની અંદર ક્લમેની ચુકવાણી કરવાના દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.