રાજ્યમાં શિયાળાની ઠંડીએ ધીમે ધીમે દસ્તક મારી છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડા પવનનો અહેસાસ થવા રાત્રે તાપમાનમાં સ્પષ્ટ ઘટાડો અનુભવાય છે. લોકો હવે ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે.

ઉત્તરપૂર્વથી પવન ફૂંકાવાની દિશા થતાં તાપમાનમાં ઘટાડો નોંધાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી ઠંડા શહેર તરીકે નલિયા નોંધાયું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે ભૂજમાં લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી અને મહત્તમ 34.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આમ, નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ અને ભૂજ તુલનાત્મક રીતે ગરમ શહેર તરીકે સામે આવ્યા.

હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં રાજ્યમાં હળવી ઠંડીનો માહોલ રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે ઉત્તર દિશાથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.




