અમદાવાદ: દિવાળી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ટ્રેનોમાં વેઇટિંગ, એરફેર આસમાને જઇ રહ્યું છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.)ની 150 જેટલી બસમાં અત્યારથી હાઉસફૂલ થઇ ગઇ છે. કેટલીક બસો માટે તો ટ્રેનની જેમ લાંબુ ‘વેઇટિંગ’ છે. માહિતી અનુસાર અમદાવાદથી ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, દ્વારકા, જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ જતી એસટી બસ માટે સૌથી વધુ ધસારો છે.
શનિવારથી સ્કૂલ-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થાય છે અને ત્યારથી જ મોટાભાગની બસ પેક છે. ખાસ કરીને દિવાળીના અગાઉના દિવસે એટલે કે બુધવારે અમદાવાદના ગીતા મંદિરથી જુનાગઢ સુધીની કુલ 59માંથી 30 જેટલી બસ અત્યારથી જ હાઉસફૂલ છે.
દિવાળીના તહેવારો નિમિત્તે એસટી દ્વારા 8,340 એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરાઇ છે.જેમાં માત્ર સુરત ખાતેથી 2સ200 બસો, દક્ષિણ- મઘ્ય ગુજરાતમાંથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2,150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1,090 બસોની એક્સ્ટ્રા ટ્રીપનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવાર અગાઉ એડવાન્સ બુકિંગથી જ એસટીને રૂપિયા 10 કરોડથી વધુની આવક થઇ ગઇ છે.
