ગાંધીનગર: રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશથી ગુજરાત પોલીસ દ્વારા એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ તા. ૧લી સપ્ટેમ્બરથી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી કે ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે આ સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
૨૦ દિવસમાં ૧૮ હજારથી વધુ કેસ અને ૪ હજારથી વધુ વાહનો ડિટેઇન
આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવના પ્રથમ ૨૦ દિવસમાં (તા. ૧ થી ૨૦ સપ્ટેમ્બર) રાજ્યભરમાં કુલ ૧૮,૦૧4 કેસ નોંધવામાં આવ્યા છે. વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવા કે ગેરકાયદેસર ફેન્સી પ્લેટ વાપરવાના કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને ૪,૧૮૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો પાસેથી કુલ રૂ. ૫૮.૫૬ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વડોદરા, સુરત અને બનાસકાંઠામાં સૌથી વધુ કામગીરી
આ ઝુંબેશ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં વડોદરા શહેરમાં ૧,૯૫૯, સુરત શહેરમાં ૧,૭૮૬ અને બનાસકાંઠા જિલ્લામાં ૧,૩૬૩ કેસ કરવામાં આવ્યા છે.
નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા પોલીસની અપીલ
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વાહનો પર સ્પષ્ટ અને નિયમાનુસાર વંચાય તેવી જ HSRP નંબર પ્લેટ લગાવે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી કે સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આ ઝુંબેશ ૧૪ ઓક્ટોબર સુધી વધુ કડકાઈથી ચાલુ રહેશે.




