ચાર યુરોપિયન દેશોની ભારત માટે UNSCમાં કાયમી બેઠકની માગ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને યુરોપના ચાર પ્રમુખ દેશોએ ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠકની બહાર ભારત અને વિસેગ્રાડ ગ્રુપ (V4)ના દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક ગણરાજ્યએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની માગનું સમર્થન કર્યું હતું. આ બેઠક બાદ સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે કહ્યું હતું કે ચારેય V4 દેશો ભારતની દાવેદારી અંગે એકમત છે. તેમણે ભારતને ગ્લોબલ સાઉથનો હિસ્સો અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની ‘ઉભરતી મહાશક્તિ’ ગણાવતાં કહ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે નિર્ણય લેવાની મેજ પર હોવું જોઈએ.

તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સંયુક્ત રાષ્ટ્રની ટોચની નિર્ણય લેતી સંસ્થામાં પોતાની ભૂમિકા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. V4ના ચારેય દેશોનું સંયુક્ત સમર્થન ભારત માટે રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારત અને V4 દેશો વચ્ચે સહયોગ વધારવા પર સહમતી

વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રથમ V4-ભારત વિદેશ મંત્રીઓની બેઠકને એક ‘નવો ઐતિહાસિક અવસર’ ગણાવ્યો. આ બેઠકમાં રાજકીય, આર્થિક, ટેક્નોલોજી, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંપર્ક સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા પર સહમતી થઈ હતી. ભારત અને V4 દેશોએ વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠક યોજવા અને વાર્ષિક બિઝનેસ ફોરમ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત અને V4 દેશો ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં સહયોગની નવી તકો શોધશે. એ સાથે જ વર્તમાન સંરક્ષણ સહયોગને પણ આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં તમામ V4 દેશો સાથે અમારો ખૂબ જ મજબૂત ઇતિહાસ રહ્યો છે. અમે આ રેકોર્ડ અને સહયોગને ફરીથી મજબૂત કરીને આગળ લઈ જવા માગીએ છીએ.

ટેક્નોલોજી, સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા

આ બેઠકમાં અવકાશ, કનેક્ટિવિટી, સંશોધન, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા મુદ્દાઓ પર પણ સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ. લોકો વચ્ચેના સંપર્કને પણ મહત્વપૂર્ણ ક્ષેત્ર માનવામાં આવ્યું. જયશંકરે ચારેય દેશોમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો.