નવી દિલ્હીઃ અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ ફરાર ગેંગસ્ટર હિમાંશુ ભાઉની ધરપકડ કરી છે. ભારતની કેન્દ્રીય એજન્સીઓએ અમેરિકાની એજન્સીઓને લાસ વેગાસમાં તેની હાજરી અંગે માહિતી આપી હતી, ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય એક ફરાર આરોપી નીરજ ફરીદપુરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના એક સૂત્રએ જણાવ્યું કે હિમાંશુ ભાઉ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. એ પછી ગુરુવારે સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટ, 2023માં ઇન્ટરપોલે હિમાંશુ ભાઉ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. સૂત્રના જણાવ્યાનુસાર ભારતીય એજન્સીઓ હવે તેને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ માટે દસ્તાવેજોને લગતી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ ટીમ પણ અમેરિકા જઈ શકે છે.
23 વર્ષીય હિમાંશુ ભાઉ ઉર્ફે કુણાલ હરિયાણાના રોહતક જિલ્લાના રિટોલી ગામનો રહેવાસી છે. તેણે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ રોહતકના શાકભાજી બજાર વિસ્તારમાં લોકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને કર્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે બાળ સુધાર ગૃહમાંથી ભાગ્યા બાદ તે જેલમાં બંધ ગેંગસ્ટર નીરજ બવાના સહિત વિસ્તારના અન્ય ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાના વિસ્તારના વેપારીઓને ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેણે પોતાની અલગ ગેંગ બનાવી લીધી હતી. તેની વિરુદ્ધ 30થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં ઓછામાં ઓછા 16 કેસ હત્યા અને હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે.

સૂત્રએ જણાવ્યું હતું કે હિમાંશુને નામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર થાય તે પહેલાં જ તેણે ઓગસ્ટ, 2022માં નકલી દસ્તાવેજોને આધારે બરેલીથી કુણાલ સિંહને નામે પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને દેશ છોડીને ફરાર થયો હતો. ભારતીય કેન્દ્રીય એજન્સીઓને આશા છે કે હિમાંશુ ભાઉની સાથે નીરજ ફરીદપુરિયાની કસ્ટડી પણ મળશે. ફરીદપુરિયા પંજાબની કુખ્યાત બમ્બીહા ગેંગ સાથે કામ કરે છે. આ ગેંગને લોરેન્સ બિશ્નોઈ ગેંગની હરીફ માનવામાં આવે છે.






