લોકમેળાની SOP સામે એસોસિએશન મેદાને, લોકમેળા બંધ કરવાની આપી ચિમકી

રાજકોટ: ઓલ ગુજરાત મેળા વેલફેર એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સરકાર સામે ખુલ્લી ચિમકી આપી છે. એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અને અન્ય નિયમો કાર્યક્ષમ અને વ્યાવહારિક નથી, જેનાથી આખું મેળા ઉદ્યોગ ઘૂંટણિયે આવી ગયું છે.

એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ફાઉન્ડેશન માટે જે ખર્ચ થાય છે તે પ્રાઇવેટ મેળા ઓર્ગેનાઈઝર્સ માટે પોસાય તેટલો નથી. તેમજ સરકાર રાઈડ્સ માટે બિલ અને ઓપરેટર લાયસન્સની માગ કરી રહી છે, જ્યારે મોટાભાગની રાઈડ્સ એસેમ્બલ પ્રકારની હોય છે અને લાયસન્સ મેળવી શકાતું જ નથી.

એસોસિએશનના નેતાઓએ ચિમકી આપી છે કે જો સરકાર SOPમાં જરૂરી ફેરફાર નહીં કરે તો ગુજરાતના તમામ જાહેર અને ખાનગી મેળાઓ બંધ કરી દેવામાં આવશે. હાલમાં એસોસિએશનમાં રાજ્યભરના 400થી વધુ સભ્યો જોડાયેલા છે અને તમામના લાભ માટે આ મુદ્દે એકજ મુદ્રામાં વાત થઈ રહી છે.સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા કડક SOP બનાવવામાં આવી છે. ત્યારે રાઈડ સંચાલકો દ્વારા SOP હળવી કરવાની માગ કરવામાં આવી છે. પરંતું SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ‘રાઈડ્સ અંગેની SOPમાં કોઈ ફેરફાર નહીં થાય. SOP લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે.’