ગાંધીનગર: બુધવારે રજૂ થયેલાં બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે નિર્ણય લેવામાં આવ્યા છે, જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. એક તો DIAL 112 જનરક્ષક માટે 3 હજાર જગ્યા ઊભી કરવામાં આવશે. તેમજ બીજી મહત્વની વાત કે, મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ છે.
વર્ષ 2026-27ના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 14265 કરોડની જોગવાઇની કરવામાં આવી છે, જેમાં DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં મહેસૂલ વિભાગ માટે પણ નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ જેમાં કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઇ.


