વડોદરામાં પૂર બાદ મગરોનું સામ્રાજ્ય, 15 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ

વડોદરા: શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી રહ્યા છે તેમ-તેમ શહેરના અનેક વિસ્તારમાં ભરાયેલા પાણી પણ ઉતરી રહ્યા છે. પૂરની પરિસ્થિતિમાંથી તો શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ તેમને જે વાતનો ડર હતો તે જ થયું. વિશ્વામિત્રી નદીમાંથી મગરો પૂરની પરિસ્થિતિ સર્જાતા શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં પૂરના પાણી ઓસરતા એક મહાકાય મગર મકાન પાસે મળી આવ્યો હતો. આ મગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમને ખુબ જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક યુવકોનો પણ તેમને સારો એવો સહકાર મળ્યો હતો. જવલ્લે જ જોવા મળતા 15 ફૂટના મહાકાય મગરને ફોરેસ્ટ ઓફિસમાં લાવતા નાકેદમ આવી ગયો હતો. સારા નસીબે મગરે કોઈને નુકસાન કર્યું નહોતું.બીજી તરફ સમા સાવલી રોડ ઉપર પણ 12 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જીવદયા કાર્યકરોએ અઢી કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. ફતેગંજ નરારી હોસ્પિટલ પાસે આજે સવારે મગર બહાર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું પણ રેસ્ક્યુ કર્યું હતું.