આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર શરૂ, શાસક પક્ષની બેઠક મળી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની બુધવારે બપોરે 12 વાગ્યેથી શરૂઆત થઈ. પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે.  સત્ર શરૂ થાય તે પહેલા શાસક પક્ષ ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો સત્ર શરૂ થાય તે પહેલાં જ ધરણાં પણ બેસી ગયા હતા. જેમાં અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, તુષાર ચૌધરી, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા જોડાયા. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા.

રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી અર્ધદુષ્કાળની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓ, મોંઘવારી, કાયદો- વ્યવસ્થાની અવ્યવસ્થા અને શિક્ષિત બેરોજગારી સહિતના મુદ્દાઓ પર વિપક્ષે  સરકારને ભીંસમાં લેવા વ્યૂહરચના ઘડી કાઢી છે. તો સામા પક્ષે સરકારે પણ પોતાની સિદ્ધીઓ અને કાયદાકીય શસ્ત્રો સાથે વિપક્ષના પ્રહારો ઝીલવા અને વળતો પ્રહાર કરવા તૈયારી કરી છે.

આ સત્ર દરમિયાન ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ખાસ કરીને પશુપાલકો અને ગ્રામીણ વોટબેંકને સીધી અસર કરતા મુદ્દાને લઈ ગૃહમાં તીખી ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત રજૂ થનારા આઠ મહત્વના બિલમાં રાજકીય ગણિત સાથે બંને પક્ષે ચર્ચા થશે. શહેરી અને ગ્રામીણ જમીન માલિકોના હિતો સાથે જોડાયેલા આ સુધારા વિધેયકોને પાસ કરાવી સરકાર પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છશે. જ્યારે વિપક્ષ આ બિલોમાં છીંડા શોધી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.