રાજકોટ: ગુજરામાં થોડા સમય પહેલા સહકારી ક્ષેત્રની દક્ષિણ ગુજરાતની એક સુગર મિલની ચૂંટણીમાં ભાજપની પેનલની હાર બાદ સહકારી ક્ષેત્રે રાજકોટ લોધિકા સંઘની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ભાજપને ખુદ બળવાખોરોના હાથે હાર ખમવી પડી છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણીની કારમી હાર થતા ભાજપમાં ચર્ચા જાગી છે.
રાજકોટ લોધિકા સહકારી સંઘ એશિયાનો સૌથી મોટો સહકારી સંઘ છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. ભાજપનો લાંબા સમયથી આ સંઘ પર કબજો છે. રાજકોટ લોધિકા સંઘની 5 બેઠકની ચૂંટણીમાં ભાજપે જેમને મેન્ડેડ આપ્યો હતો, તેની સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથના બળવાખોર મેદાનમાં હતા. ગઈકાલે મતદાન બાદ આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમાં કુવાડવા બેઠક પરથી અરવિંદ રૈયાણીની હાર થઈ છે.
આવો જ બીજો આંચકો માધાપર સીટ પર ભાજપને મળ્યો છે. સિનિયર આગેવાન અને પૂર્વ ડે. મેયર ટિકુભાના પિતા ઘોઘુભા જાડેજાની હાર થઈ છે. આ બેઠક વિજય સખીયા વિજેતા થયા છે. કુલ 5 માંથી બે બેઠક પર ભાજપે મેન્ડેડ આપ્યો હતો તે ઉમેદવાર હાર્યા છે.
ત્રંબા બેઠક પર ટાઇ થઈ તેમાં ભાજપના સતાવાર ઉમેદવાર નીતિન રૈયાણી જીત્યા જ્યારે ખોક્દ્દડ બેઠક પર ભાજપના સતાવાર ઉમેદવાર બાબુ નસીત જીત્યા છે. આ સંઘની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચે પ્રતિષ્ઠા નો જંગ હતો તેમા રાદડિયા જૂથનો દબદબો રહ્યો છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસ્વીર – નિશુ કાચા)




