લખનૌઃ UPનાં બરેલીમાં શુક્રવારની જુમાની નમાઝ પછી ભારે બબાલ થઈ હતી. આ મામલે UPના CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કાલે બરેલીમાં એક મૌલાના ભૂલી ગયા કે રાજ્યમાં સત્તા કોની છે. તેને લાગ્યું કે તે જ્યારે ઇચ્છે ત્યારે વ્યવસ્થાને રોકી શકે છે, પરંતુ અમે સ્પષ્ટ કરીએ છીએ કે ન તો નાકાબંધી થશે અને ન જ કર્ફ્યુ લાગશે.
તેમણે કહ્યું હતું કે અમે જે પાઠ શીખવ્યો છે, તેનાથી આવતી પેઢીઓ તોફાન કરવા પહેલાં બે વાર વિચારશે. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે વ્યવસ્થાને રોકવાનો આ કેવી રીત છે? 2017 પહેલાં યુપીમાં આ જ ચાલતું હતું, પરંતુ 2017 પછી અમે કર્ફ્યુ પણ લાગવા દીધો નથી. ઉત્તર પ્રદેશના વિકાસની ગાથા અહીંથી શરૂ થાય છે.
અગાઉની સરકારોમાં તોફાની તત્ત્વોને CM આવાસમાં બોલાવીને સન્માનિત કરવામાં આવતા હતા. તેમની આવભગત થતી હતી અને વ્યાવસાયિક ગુનેગારો તથા માફિયાઓ સામે સત્તા સેલ્યુટ કરતી હતી. સત્તાધારી લોકો તેમના કૂતરા સાથે હાથ મિલાવતા હતા. તમે એવા ઘણાં દ્રશ્યો જોયાં હશે કે કેવી રીતે સત્તાની મુખ્ય વ્યક્તિ એક માફિયાના કૂતરા સાથે હાથ મિલાવીને પોતે ગૌરવ અનુભવે છે.

મૌલાના તૌકીર રઝાને પોલીસે કસ્ટડીમાં લીધો
બરેલીમાં જુમાની નમાઝ પછી થયેલા હિંસક પ્રદર્શનના કેસમાં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) પ્રમુખ મૌલાના તૌકીર રઝાને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આ હિંસા ‘આઇ લવ મોહમ્મદ’ને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન ભભૂકી હતી, જેમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસે પર ફાયરિંગ થયું. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 1700 અજ્ઞાત અને કેટલાક લોકો સામે 10 FIR નોંધ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોને અટકાયત કરી છે. તેમણે શુક્રવાર રાત્રે વિડિયો કોન્ફરન્સિંગમાં અધિકારીઓને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.





