રતન ટાટાને સુરતના ધોળકિયા પરિવારની સુખડી ખુબ ભાવેલી

સુરત: રતન તાતાનાં પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં. પણ રતન તાતા સુરત માત્ર એકવાર આવેલા. 3 મે, 2018ના ગુરુવારના રોજ એમણે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં કતારગામ સ્થિત SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટાએ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની માહિતી મેળવી હતી. ગોવિંદભાઈના નિવાસસ્થાને એમના પરિવારને મળવા સાથે ભોજન પણ લીધુ હતું. રતન ટાટાના સુરત આગમનની પણ રસપ્રદ વાત છે. ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતો “સંતોક્બા એવોર્ડ” એમને અપાયો હતો. આ એવોર્ડ એમને મુંબઈમાં જ સાદગી પૂર્વક સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહ્યું હતું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રુપને આગળ વધાર્યુ છે પણ ગોવિંદભાઈ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે. મારે એ જોવું છે હવે હું સુરત આવીશ જ.

રતન ટાટાની સુરત મુલાકાતના સંસ્મરણો વાગોળતા ગોવિંદ ધોળકિયા ચિત્રલેખા.કોમને કહે છે, 3 મે, 2018નાં રોજ તેઓ સુરત ઍરપોર્ટ પર ઊતરતાં જ સીધા કતારગામ સ્થિત એસ.આર.કે. એમ્પાયર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એસ.આર.કે. એમ્પાયરની ત્રણ પેઢીનાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને સવાલોના જવાબો આપ્યા હતા. બાદમાં બપોરે રતન ટાટાએ શુદ્ધ ગુજરાતી ભોજન સાથે સુરતી ખમણનો સ્વાદ પણ માણ્યો હતો. એમને ગુજરાતી ઘરની બનાવેલી ઘીથી તરબતર સુખડી ખૂબ ભાવી હતી. એ પછી ધોળકિયા પરિવારના સભ્યો સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. ભારત અને વિશ્વ તમને કઈ રીતે યાદ રાખે? એવા ધોળકિયા પરિવારના એક સભ્યના પ્રશ્નના ઉત્તરમાં રતન ટાટાએ કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિસ્તાર કર્યો છે એના કરતાં મેં કયા પ્રકારના બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. ગોવિંદ ધોળકિયા કહે છે, “રતન ટાટાની વિદાય એ કોઈ એક પરિવારની નહીં પણ ભારત નામના પરિવારના સભ્યની વિદાય છે. એ ભારત હતા, ભારતનું રત્ન હતા. સુરતમાં એમની સાથે વિતાવેલા છ કલાક કાયમી સંભારણું રહેશે.”

(અરવિંદ ગોંડલિયા – સુરત)