લદાખમાં પાંચ નવા જિલ્લા બનાવશે સરકાર, અમિત શાહે કરી જાહેરાત

કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. તેમના નામ જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે. આ નિર્ણય બાદ વડાપ્રધાન મોદીએ લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આનાથી લોકોને સુવિધાઓ અને તકો આપવામાં મદદ મળશે.

આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે,’વિકસીત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવાના PM નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. નવા જિલ્લાઓ જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે. અમે દરેક ખૂણામાં શાસનને મજબૂત કરીને લોકોને તેમના ઘરઆંગણે લાભ પહોંચાડીશું. મોદી સરકાર લદ્દાખના લોકો માટે દરેક સંભવિત તક ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.

બહેતર શાસન અને સમૃદ્ધિ તરફ એક પગલું
વડા પ્રધાન મોદીએ નવા જિલ્લાઓની રચનાની પ્રશંસા કરી અને તેને વધુ સારા શાસન અને સમૃદ્ધિ તરફનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે હવે આ જિલ્લાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી સેવાઓ અને તકો લોકોની નજીક આવશે. વડાપ્રધાને આ જાહેરાત પર લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

લદ્દાખ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સીધા વહીવટી નિયંત્રણ હેઠળ
5 ઓગસ્ટ, 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આ પછી લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. બીજો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર છે. પાંચ વર્ષ પહેલા આ દિવસે તત્કાલિન રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને પણ રદ્દ કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે લદ્દાખ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સીધા વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે.