નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલી આતંકવાદી ઘટના પર કેન્દ્ર સરકારે સંસદ ભવનમાં સાંજે છ વાગ્યે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. જેની અધ્યક્ષતા સંરક્ષણપ્રધાન રાજનાથ કરશે. આ બેઠકમાં ગૃહપ્રધાન શાહ બેઠકમાં હાજરી આપશે.
PM મોદીએ બુધવારે આશરે બે કલાક સુધી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક કરી છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર અને અજિત ડોભાલ સહિત તમામ મોટા નેતાઓ અને અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં પાકિસ્તાનની વિરુદ્ધ અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સિંધુ નદી જળ સમજૂતી રદ કરી દીધી છે અને અટારી બોર્ડરને પણ બંધ કરી દીધી હતી. એ સાથે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ ભારતના બદલાના ડરથી પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયમાં વિતાવી. કરાચી એરબેઝથી 18 ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશનો પર મોકલવામાં આવ્યાં છે.પાકિસ્તાન 24-25 એપ્રિલે કરાચીમાં તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં તેના દરિયાકાંઠા પર જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાન સરકારના X હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. તેમને જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાન ન જવાની સલાહ આપવામાં આવી છે.
