ગાંધીનગર: ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ગિફ્ટ સિટી તેના વિકાસના એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય આગામી તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. વૈશ્વિક કક્ષાની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આકર્ષવા, તેમને જાળવી રાખવા અને એક વિશ્વસ્તરીય લિવેબલ હબ તરીકે ઉભરી આવવાના વિઝન સાથે ગિફ્ટ સિટીમાં સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Social Infrastructure)ના વિકાસને અભૂતપૂર્વ વેગ આપવામાં આવ્યો છે. હવે ગિફ્ટ સિટી માત્ર બિઝનેસ કે કામકાજની જગ્યા ન રહેતા, રહેવા અને મનોરંજન માટેનું પણ એક અત્યંત વાઇબ્રન્ટ વૈશ્વિક કેન્દ્ર બનશે.
ટેક્નોલોજી સંચાલિત અદ્યતન ગોલ્ફ ડેસ્ટિનેશન
આ ગ્લોબલ વિઝનના ભાગરૂપે ગિફ્ટ સિટીએ ‘ધ સ્પોર્ટ્સ ગુરુકુલ’ (TSG) અને ‘વનગોલ્ફ’ સાથે એક વિશેષ ભાગીદારીની જાહેરાત કરી છે. અંદાજે ૮૪,૭૪૪ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં એક હાઈટેક ગોલ્ફ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૩૫૦ ફૂટની ટેક્નોલોજી સંચાલિત ડ્રાઇવિંગ રેન્જ, ૨૦ ગોલ્ફ બે, એડવાન્સ્ડ કોચિંગ સુવિધાઓ અને પ્રોફેશનલ કોર્પોરેટ નેટવર્કિંગ માટે ખાસ સ્પેસ ડેવલપ કરાશે. અહીં રિયલ-ટાઇમ શોટ એનાલિટિક્સ અને વર્ચ્યુઅલ ગોલ્ફ સિમ્યુલેશન જેવી આધુનિક સુવિધાઓ મળશે, જે જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં કાર્યરત થઈ જશે.
મલ્ટી-સ્પોર્ટ્સ મોડર્ન એરેના
શહેરમાં હેલ્થ, ફિટનેસ અને કમ્યુનિટી લાઈફને પ્રોત્સાહન આપવા માટે સાવી ગ્રુપના સહયોગથી ગિફ્ટ સિટીનું પ્રથમ સમર્પિત સ્પોર્ટ્સ એરેના બની રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં શરૂ થનારા આ એરેનામાં ૮ પિકલબોલ કોર્ટ, ૨ પેડલ, ૧ બોક્સ ફૂટબોલ, ૨ બોક્સ ક્રિકેટ, વોલીબોલ કોર્ટ, જોગિંગ ટ્રેક અને આઉટડોર જિમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઓફિસ અવર્સ પછીના સમયને જીવંત બનાવવા માટે અહીં આકર્ષક કાફે અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટેના ખાસ સ્થળો પણ વિકસાવવામાં આવશે.
૭.૫ લાખ ચોરસ ફૂટનો ભવ્ય ડેસ્ટિનેશન મોલ
મનોરંજન અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલને એક નવો વળાંક આપવા માટે ગિફ્ટ સિટીમાં આશરે ૭,૫૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો વિશાળ ‘ડેસ્ટિનેશન મોલ’ સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેના માટે આરએફપી (RFP) પણ બહાર પાડી દેવામાં આવી છે. આ મોલમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના પ્રીમિયમ રિટેલ સ્ટોર્સ, ગ્લોબલ ફૂડ કોર્ટ્સ, મનોરંજન ઝોન અને અત્યાધુનિક સિનેમા હોલનો સમાવેશ કરવામાં આવશે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, આધુનિક ફાઇનાન્શિયલ સેન્ટર્સની પ્રગતિ હવે માત્ર વ્યવસાયિક સ્પર્ધા પર નહીં, પણ શ્રેષ્ઠ જીવનશૈલી આપવાની ક્ષમતા પર નિર્ભર છે. આ પ્રોજેક્ટ્સ વૈશ્વિક પ્રતિભાઓના જીવનની ગુણવત્તા (Quality of Life) વધારવામાં માઇલસ્ટોન સાબિત થશે.






