‘દિલ ચાહતા હૈ’ માં ‘જાને ક્યૂઁ’ ની ધૂન ટાઇટલ ગીતમાં વપરાઇ!

નિર્દેશક ફરહાન અખ્તરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ (2001) માં કલાકારોની સાથે ગીતની ધૂનની પણ અદલા-બદલી થઈ હતી! આ કલ્ટ ફિલ્મ બનવા પાછળની કહાની ફિલ્મી ડ્રામાથી જરાય કમ નથી! ફિલ્મના કલાકારોની પસંદગીમાં પણ રસપ્રદ અદલા-બદલી થઈ હતી. મૂળરૂપે આકાશ મલ્હોત્રાના પાત્ર માટે અક્ષય ખન્નાને નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આમિર ખાને જ્યારે સ્ક્રિપ્ટ વાંચીને તેમાં ખાસ રસ બતાવ્યો ત્યારે અક્ષય ખન્નાએ મોટા મને ‘સિદ્ધાર્થ’ ની ગંભીર ભૂમિકા સ્વીકારી લીધી. ગીતમાં પણ એવું જ કંઈક થયું હતું. પહેલાં સંગીતકાર અને પછી ધૂન બદલાઈ હતી.

શરૂઆતમાં એ. આર. રહેમાનનો સંપર્ક થયો હતો. પણ એમની વ્યસ્તતાને કારણે શંકર-એહસાન-લોયને જવાબદારી સોંપવામાં આવી હતી. ફિલ્મના ગીત-સંગીતની રચના માત્ર સાડા ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જેમાંથી લગભગ દોઢ દિવસ કામ થયું હતું અને બાકીનો સમય જોક્સ અને વાતોમાં ગયો હતો. આ ગીત-સંગીત રિતેશ સિધવાનીના ખંડાલા સ્થિત ઘરે બનાવવામાં આવ્યું હતું. તે સમયે સંગીત કંપનીઓને આ સંગીત સમજાયું નહોતું. કોઈને આ સંગીતમાં રસ નહોતો અને વિતરકો પણ ફિલ્મમાં કંઈ ખાસ જોતા નહોતા. એવી આ ‘દિલ ચાહતા હૈ’ ના ટાઇટલ ગીત વિશે એક રસપ્રદ કિસ્સો છે.

ફિલ્મના બધા ગીતોની ધૂન તૈયાર થઈ ગઈ હતી. શંકર (એહસાન -લોય) ને સવારે બ્રશ કરતી વખતે વિચાર આવ્યો કે ‘દિલ ચાહતા હૈ…’ ગીત ફિલ્મનું ટાઈટલ ગીત બનવું જોઈએ. અને એના માટે ‘જાને ક્યૂઁ’ ની ધૂન યોગ્ય હતી. કેમકે શરૂઆતમાં જ એના પર ‘દિલ ચાહતા હૈ’ શબ્દો યોગ્ય રીતે બંધબેસતા હતા. એટલું જ નહીં એમાંથી જાણે ‘દિલ ચાહતા હૈ’ નો ધ્વનિ સંભળાતો હતો. બીજા બધા ઊઠે એ પહેલાં જ શંકર અને જાવેદ અખ્તરે સવારે જ ગીત લખી લીધું હતું. પણ ફરહાનને એની પહેલી પંક્તિ ‘દિલ ચાહતા હૈ, દિલ ચાહતા હૈ, ચાહતા હૈ કભી ના બીતેં ચમકીલે દિન’ માં આવતો ‘ચમકીલે’ શબ્દ ગમતો નહોતો.

ફરહાન અખ્તર તે સમયે આ શબ્દને લઈને થોડા અસહજ હતા. કારણ કે એમને તે ડિટર્જન્ટની જાહેરાત જેવો લાગતો હતો. પરંતુ જાવેદ અખ્તરે આગ્રહ રાખ્યો કે આ શબ્દ જ ગીતની યુએસપી બનશે, જે પાછળથી સાચું પણ સાબિત થયું. ‘દિલ ચાહતા હૈ’ ગીત તૈયાર થયા પછી સવાલ એ થયો કે ‘જાને ક્યૂઁ’ ગીતવાળી ધૂન માટે ફિલ્મમાં જે જગ્યા હતી એમાં શું કરીશું. અસલમાં આ ગીત મૂળરૂપે ઓસ્ટ્રેલિયાના દ્રશ્ય માટે બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રીતિ અને આમિરના પાત્રો વચ્ચેની વાતચીત હતી. ત્યારે જાવેદ અખ્તરે તરત જ ‘જાને ક્યૂઁ’ ગીત લખી આપ્યું હતું. વળી આ ગીતના શબ્દો ફરહાનને થોડા જૂના જમાનાના લાગતા હતા પણ જાવેદ અખ્તરે સમજાવ્યું કે તે ગીતનો કિરદાર પ્રેમને લઈને વ્યંગ કરી રહ્યો છે, એટલે તે યોગ્ય છે.

‘દિલ ચાહતા હૈ’ ફિલ્મે હિન્દી સિનેમાની પરંપરાગત વ્યાખ્યાને સંપૂર્ણપણે બદલી નાખી અને ફિલ્માંકનમાં એક નવો યુગ શરૂ કર્યો હતો. તે સમયના યુવાનોને મોટાભાગની ફિલ્મોમાં પોતાની જાતનું પ્રતિબિંબ જોવા મળતું ન હતું. ફરહાન અખ્તરે પહેલીવાર શહેરી યુવાનોની માનસિકતા, સંબંધોની મૂંઝવણો અને તેમની દિનચર્યાને ખૂબ જ વાસ્તવિક રીતે પડદા પર રજૂ કરી, જેનાથી ભારતીય સિનેમામાં ‘અર્બન ડ્રામા’ શૈલી મજબૂત થઈ હતી.